પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન સરકારી ખર્ચે ફીટ કરી આપવાની ખેડુત લક્ષી યોજના

પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેત તલાવડી બનાવવામાં આવે અને તેમાં જીઓમેમ્બ્રેન ફીટ કરવામાં આવે તો ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ખેતતલાવડીમાં સંગ્રહ કરીને પાક બચાવવામાં/રવિ સિંચાઈમાં કરી શકે છે. આમ, ખેતતલાવડીમાં સંગ્રહિતપાણી થકી ખેડુતોના પાકને પૂરક સિંચાઈ કરી વધુ પાક ઉત્પાદન મેળવી શકશે તથા સાથોસાથ ભુગર્ભજળમાં બચાવ થશે.

આ માટે રાજ્યના પાણીની અછતવાળા જીલ્લાઓમાં ખેડુતોએ સ્વખર્ચે ખોદાણ કરી બનાવેલ ખેત તલાવડીઓમાં જીઓમેમ્બ્રેન સરકારી ખર્ચે ફીટ કરી લાભ આપવા માટે એક ખેડુતલક્ષી યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત હાલમાં (૧) બનાસકાંઠા (૨) મહેસાણા (૩) પાટણ (૪) કચ્છ (૫) રાજકોટ (૬) બોટાદ (૭) ભાવનગર (૮) સુરેન્દ્રનગર (૯) નર્મદા અને (૧૦) ડાંગ તેમ કુલ ૧૦ જીલ્લાનો સમાવેશ કરવામાં આવેલ છે.

આ યોજના અંતર્ગત સરકારના ખર્ચે ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરાવવા માટેનો લાભ મેળવવા સારૂં ખેડુત ખાતેદાર દ્વારા ખેત તલાવડી સ્વખર્ચે બનાવવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડુત ખાતેદારોએ ઓનલાઈન સ્વરૂપે વેબસાઈટ: g-talavadi.gujarat.gov.in ઉપર નિયત સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે. પ્રાપ્ત થયેલ અરજીઓની ચકાસણી કરી દરેક તાલુકાદીઠ નિયત થયેલ અરજીઓની સંખ્યાની મર્યાદા માટે ઓનલાઈન ડ્રો કરવામાં આવશે અને ડ્રો દરમિયાન પસંદ થયેલ અરજીઓનું ફીલ્ડ વેરીફીકેશન કર્યા પછી યોગ્ય કિસ્સાઓ માટે લાભાર્થી તરીકેનું આખરીકરણ કરવામાં આવશે. લાભાર્થી તરીકે અરજી મેળવ્યાથી ડ્રો સુધીની તમામ પ્રકીયા માત્ર ઓનલાઈન સ્વરૂપે જ કરવામાં આવશે અને અરજકર્તા ખેડુતોને SMS થી ડ્રો અંગેની જાણ પણ કરવામાં આવશે અને વેબસાઈટ ઉપર પણ તેઓ આ અંગેની માહિતી મેળવી શકશે. આ યોજના માટે તા.૦૧/૦૪/૨૦૨૫ થી તા.૨૦/૦૪/૨૦૨૫ સમયગાળા દરમ્યાન ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે.

આ યોજના હેઠળ ખેતતલાવડીની ઉપરના ભાગે મહત્તમ સાઈઝ ૪૦ મીટર x ૪૦ મીટર અને મહત્તમ ૬ મીટર ઉંડાઈ (૧.૫:૧ નો ઢાળ) રહેશે અને તે મુજબ સરકારી ખર્ચે મહત્તમ ૨૪૬૦ ચો.મીટર જથ્થામાં જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવામાં આવશે. પરંતુ સજોગોવશાત ખેડૂતો દ્વારા વધારે ખોદાણ કરવામાં આવેલ હશે/ખેતતલાવડીની સાઈઝ વધારે હશે તો નિયત મહત્તમ મર્યાદા કરતાં જેટલા જથ્થામાં જીઓમેમ્બ્રેન વધારે વપરાશે તેનો ખર્ચ જે તે ખેડુત ખાતેદારે ભોગવવાનો રહેશે.

સિંચાઈ વિભાગ દ્વારા જીઓમેમ્બ્રેનફીટ કરવા માટે ઈજારદાર નક્કી કરવામાં આવશે અને આ ઇજારદાર દ્વારા જેમ જેમ લાભાર્થીઓનું આખરીકરણ થશે તેમ તૈયાર થયેલ ખેતતલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવામાં આવશે. આવી તૈયાર થયેલ ખેતતલાવડીઓમાં ચોમાસામાં મહત્તમ પાણીનો સંગ્રહ થાય તથા જીઓમેમ્બ્રેનને નુકશાની ન થાય તે પ્રકારે કાળજીપુર્વકની જરુરી સારસંભાળ રાખવાની જવાબદારી જે-તે લાભાર્થી ખેડત ખાતેદારની રહેશે..