દર વર્ષે ૦૯ એપ્રિલના દિવસે સીઆરપીએફ દ્વારા કચ્છની ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે સરદાર પોસ્ટ ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજરોજ સીઆરપીએફના ઉચ્ચ અધિકારીશ્રીઓએ સરદાર પોસ્ટ ખાતે શૌર્ય દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સહભાગી થઈને શહીદોના બલિદાનને યાદ કર્યું હતું. આ કાર્યક્રમમાં સીઆરપીએફની સાથે બીએસએફ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વર્ષ ૧૯૬૫માં પાકિસ્તાન દ્વારા શરૂ કરાયેલા ડેઝર્ટ હોક ઓપરેશનનો પ્રતિકાર કરતા સરદાર પોસ્ટ ખાતે સીઆરપીએફની બટાલિયને અદમ્ય વીરતાનો પરિચય આપીને દુશ્મનની બ્રિગેડને પીછેહટ કરવા મજબૂર કરી હતી. આ વીરતાભર્યા પરાક્રમની ગાથાને યાદ કરતા સીઆરપીએફ મુંબઈના એડીજી(ટ્રેનિંગ), આઈપીએસ, શ્રી દીપક કુમારે જણાવ્યું હતું કે, ૧૯૬૫ના યુદ્ધમાં પાકિસ્તાનની ૩ હજારથી વધારે સૈનિક ધરાવતી એક બ્રિગેડે સરદાર પોસ્ટ ખાતે હુમલો કર્યો હતો. સીઆરપીએફના જવાનો એ સમયે માત્ર ૧૫૦ની સંખ્યામાં જ હાજર હતા છતા પણ તેઓએ નિર્ભિકતાથી અને સુઝબૂઝથી પોતાની વીરતાનો પરિચય આપીને દુશ્મનને પીછેહટ કરવા ફરજ પાડી હતી. સીઆરપીએફના વળતા પ્રહારથી પાકિસ્તાનના ૩૪ સૈનિકો માર્યા ગયા અને દુશ્મનના લશ્કરને ભારે ખુવારીનો સામનો કરવો પડ્યો હતો. દુશ્મનની સાથે લડતા લડતા સીઆરપીએફની બીજી બટાલિયનના ૭ જવાન શહીદ થયા હતા. સીઆરપીએફને ૪ પાકિસ્તાની સૈનિક જીવતા પકડવામાં સફળતા મળી હતી. સીઆરપીએફ મુંબઈના એડીજી(ટ્રેનિંગ), આઈપીએસ, શ્રી દીપક કુમારે શૌર્ય દિવસને વીરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવીને તમામ સીઆરપીએફ સૈનિકો માટે અને દેશ માટે આ દિવસને પ્રેરણાદાયક ગણાવ્યો હતો
આ શૌર્ય દિવસની ઉજવણી દરમિયાન સીઆરપીએફ દ્વારા સરદાર પોસ્ટ ખાતે બેન્ડ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અને વીરતાની ગાથાને યાદ કરવામાં આવી હતી. આ શૌર્ય દિવસના કાર્યક્રમમાં સીઆરપીએફ મુંબઈના આઈજીશ્રી વિરેન્દ્ર અગ્રવાલ, કચ્છ બીએસએફના ડીઆઈજીશ્રી અનંતકુમાર સિંઘ, ગાંધીનગર સીઆરપીએફના ડીઆઈજીશ્રી ધર્મેન્દ્ર સિંહ વિસેન, બીએસએફ કમાન્ડન્ટશ્રી વિજયકુમાર, રેપિડ એક્શન ફોર્સના કમાન્ડન્ટશ્રી રતુલ દાસ, સીઆરપીએફ આસિસ્ટન્ટ કમાન્ડન્ટશ્રી દિનેશ ચંદ્ર ચંદેલ, નાયબ માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, ખાવડા પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી વિશાલ પટેલ સહિત સીઆરપીએફ અને બીએસએફના ઉચ્ચ અધિકારીશ્રીઓ, સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા.