આજે વિશ્વ હિમોફિલિયા દિવસ ૨૦૨૫ : હિમોફિલિયા જિનેટિક રોગ છે જે માતાપિતાથી વારસાગત રીતે બાળકોમાં આવે છે
દર વર્ષે ૧૭ એપ્રિલના રોજ વિશ્વ હિમોફિલિયા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય હિમોફિલિયા અને અન્ય રક્તસ્ત્રાવ સંબંધિત વિકારો વિશે જાગૃતિ લાવવાનો છે. આ દિવસ વર્લ્ડ ફેડરેશન ઓફ હિમોફિલિયા (WFH) ના સ્થાપક ફ્રેન્ક શ્નાબેલની જન્મજયંતિ નિમિત્તે મનાવવામાં આવે છે.
ભારાપર સીએચસીના અધિક્ષકશ્રી ડૉ. પ્રાચી દોશી જણાવે છે કે, હિમોફિલિયા દિવસ માત્ર આ રોગથી પીડિત લોકો દ્વારા સામનો કરાતા પડકારોની યાદી નથી. પરંતુ તે આ સમુદાયની બહાદુરી અને દૃઢતાનો ઉત્સવ પણ છે. હિમોફિલિયા એ એક જિનેટિક રોગ છે. એટલે કે તે માતાપિતાથી વારસાગત રીતે બાળકોમાં આવે છે. આ રોગમાં લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે અથવા તો બંધ થઈ જાય છે. આપણા શરીરમાં જ્યારે કોઈ ઈજા થાય છે, ત્યારે લોહીમાં રહેલા અમુક તત્વો જેને ક્લોટિંગ ફેક્ટર્સ કહેવામાં આવે છે. તે લોહીને ગંઠાઈને વહેતું અટકાવે છે. હિમોફિલિયા ધરાવતા વ્યક્તિઓમાં આ ક્લોટિંગ ફેક્ટર્સની ઉણપ હોય છે અથવા તો તે બરાબર કામ કરતા નથી. આ એક સરળ સમસ્યા લાગી શકે છે. પરંતુ આનો દરરોજના જીવન પર ઘણો મોટો પ્રભાવ પડી શકે છે. હિમોફિલિયાથી પીડિત વ્યક્તિઓને સતત તબીબી કાળજી, થેરપી અને સપોર્ટની જરૂર હોય છે.
વિશ્વ હિમોફિલિયા દિવસ આ વિકાર વિશે જાગૃતિ ફેલાવવા અને પીડિતોને યોગ્ય સારવાર અને સંભાળ મળી રહે તે માટે મહત્વપૂર્ણ છે, વિશ્વ હિમોફિલિયા દિવસ ૨૦૨૫ ની થીમ “Access for All: Women and Girls Bleed Too ” છે. આ થીમનો હેતું રક્તસ્ત્રાવના વિકારોથી પીડિત મહિલાઓ અને છોકરીઓની જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે, જેને ઘણીવાર અવગણવામાં આવે છે.
ગુજરાતમાં પણ હિમોફિલિયાના ઘણા દર્દીઓ છે, જેમને રાજ્ય સરકાર દ્વારા મફત સારવાર અને ઇન્જેક્શન આપવામાં આવે છે. હિમોફિલિયા સોસાયટી અમદાવાદ ચેપ્ટર (HASC) જેવી સંસ્થાઓ આ રોગ વિશે જાગૃતિ લાવવા અને દર્દીઓને મદદ કરવા માટે સતત કાર્યરત છે.
હિમોફિલિયાની અસહ્ય પીડા છતાં પણ આ રોગથી પીડિત લોકોએ મજબૂતી અને અનોખી દૃઢતા દર્શાવી છે. આ રોગના અવરોધો વચ્ચે પણ બહાદૂરી પૂર્વક જીવન જીવી રહ્યા છે.
સામાજિક દ્રષ્ટિએ, આપણને હિમોફિલિયા ધરાવતા લોકો માટે મદદારૂપ બનવું જોઈએ. તેમને તે તમામ સારવાર, સંસાધનો અને સહાય પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ જે તેમના માટે મહત્વપૂર્ણ છે. આપણે તેમને વધુ સારી રીતે સમજવા, જાગૃતિ પેદા કરવાની, અને આ રોગ અંગે કોઈ પણ પ્રકારના અવિશ્વાસ અને દયા દૂર કરવાની જરૂર છે. શિક્ષણના માધ્યમથી. આપણે એક એવું વિશ્વ બનાવી શકીશું જ્યાં હિમોફિલિયા કોઈપણ દિશામાં આપણા સ્વપ્નો, આશાઓ અને જીવન જીવવાની મજા પર અસર ન કરે.
આ ખાસ દિવસે, હું દરેકને અનુરોધ કરું છું કે તમે હિમોફિલિયા વિશે વધુ જાણો, તેના વિશે ખુલ્લા દિલે વાત કરો અને તેમને મજબૂત બનાવતી બનતી સહાય કરો. ભલે પછી તે સ્થાનિક હિમોફિલિયા સંસ્થાઓને મદદરૂપ થવાનો, સંશોધન માટે દાન આપવાનો અથવા ફક્ત એક મિત્ર તરીકે સપોર્ટ કરવાનો હોય, દરેક પ્રયત્ન મહત્વનો છે.
જિજ્ઞા વરસાણી