ભુજ તાલુકામાં વિવિધ દબાણો દૂર કરીને સરકારી જમીનને ખુલ્લી કરાવતું જિલ્લા વહીવટીતંત્ર  

        જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ, ભુજ પ્રાંત અધિકારીશ્રી ડૉ. અનીલ જાદવના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર અને ભુજ તાલુકાના લુડીયા ખાતે વિવિધ દબાણો તોડીને સરકારી જમીનને ખુલ્લી કરાવવામાં આવી હતી. ભુજ તાલુકાના લુડિયા ખાતે સરકારી જમીન ઉપરના દબાણો હટાવવાની ઝુંબેશ અંતર્ગત ટ્રા.સ.ન. ૬૩ પૈકીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મામલતદારશ્રી એ.એન.શર્મા અને જિલ્લા વહીવટીતંત્રની ટીમ દ્વારા લુડિયામાં ૨ શખ્સો દ્વારા ગેરકાયદેસર ઊભા કરવામાં આવતા કોમર્શિયલ પ્રકારના દબાણો તોડીને અંદાજિત રૂ. ૦૯ લાખની ૧૦,૦૦૦ ચો.મી સરકારી જમીનને ખુલ્લી કરાઈ હતી. જ્યારે ભુજમાં શહેર મામલતદારશ્રી ડી.કે.રાજપાલની માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્રની ટીમ દ્વારા ભુજ શહેરમાં સરવે નંબર ૮૭૦ પૈકીના રૂ. ૧૦ કરોડની કિંમતના કુલ ૧૨૦૦ ચો.મી. વિસ્તારના દબાણને દૂર કરીને સરકારી જમીનને ખાલી કરાવવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન દબાણકર્તા શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલા કાચા દબાણો, દુકાનો, શેડ, કેબિન વગેરે દૂર કરવામાં આવ્યા હતા તેમ ભુજ પ્રાંત અધિકારીશ્રી ડૉ. અનીલ જાદવ દ્વારા જણાવાયું છે.