માંડવીના મૂરજીભાઈ ગઢવી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી બન્યા સમૃદ્ધ

પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતોના આધારે તથા દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે થતી સાનુકૂળ ખેતી એટલે જ પ્રાકૃતિક ખેતી. હાલ પ્રાકૃતિક ખેતી અભિયાન રાજ્યભરમાં ચાલી રહ્યું છે જે અંતર્ગત છેવાડાના ખેડૂત સુધી પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે કચ્છમાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે, “પ્રાકૃતિક ખેતી એટલે પદ્ધતિ એક જેના લાભ અનેક”. આ લાભથી પ્રભાવિત થઇને માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામના મૂરજીભાઈ કરશનભાઇ ગઢવી પોતાની જમીન પર પ્રાકૃતિક ખેતીથી વિવિધ પાકો લઈ રહ્યા છે. તો જાણીએ તેઓ શું માને છે પ્રાકૃતિક ખેતી વિશે… તેમની પાસેથી જ……
ખેડૂત મૂરજીભાઈ ગઢવી જણાવે છે કે, તેઓ છેલ્લા ૧૦ વર્ષથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કુલ ૮ એકર જમીનમાં ખારેક, બોર, બાજરી, ઘઉ, રંજકો, જુવાર જેવા પાકો લઈ રહ્યાં છે. રાસાયણિક ખેતીથી થતાં ગેરફાયદાઓ વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે, અગાઉ જ્યારે તેઓ રાસાયણિક ખેતી કરતા હતા ત્યારે તેમાં દવા અને ખાતરનો વપરાશ વધુ થતો હોવાથી ખર્ચનું પ્રમાણ વધુ રહેતું હતું. જમીનની ઉત્પાદન ક્ષમતામાં પણ ઘટાડો થઇ જતાં ખર્ચ સામે આવક બહુ જ ઓછી મળતી હતી. રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી સુક્ષ્મ તત્વોનું પ્રમાણ ઓછું થઇ જતા જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી ગયું હતું, ઉપરાંત જમીનમાં નીંદામણ વધારે થતું હતું હોવાથી પાકને ખાસ્સું એવું નુકશાન ભોગવવું પડતું હતું.
પરંતુ જ્યારથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. ત્યારથી જમીન, જળ, પાકની ગુણવત્તા તો સુધરી છે. સાથે પર્યાવરણને પણ ફાયદો થયો છે. હાલ તેઓ ખારેક, બોર, બાજરી, ઘઉ, રંજકો, જુવાર, તેમજ પશુઓ માટે ઘાસચારાના પાકનું સારા પ્રમાણમાં વાવેતર કરી રહ્યા છે. તેમના પ્રાકૃતિક ખેતી પદ્ધતિના અનુભવો વિશે વાત કરતા કહે છે કે, શરૂઆતના સમયમાં તેઓ ગાયના છાણમાંથી દેશી ખાતર તૈયાર કરી તેનાથી જમીન તૈયાર કરીને ઘઉંનું વાવેતર કરતા હતાં. સમય જતાં પ્રાકૃતિક ખેતી વિશે વધુ સમજણ મેળવીને જીવામૃત તૈયાર કરીને તેનો ઉપયોગ કરતા ઘઉનો સારો પાક ઉતરવા લાગ્યો. જથ્થો અને સ્વાદમાં પણ ફરક દેખાવા લાગ્યો હતો.જે બાદ અન્ય પાકો લેવાની પણ શરૂઆત કરી. તેઓ વધુમાં ઉમેરે છે કે, પ્રાકૃતિક ખેતીમાં બધી જ વસ્તુઓ જેવી કે જીવામૃત, બીજામૃત, દશપર્ણી અર્ક વગેરે વાડી પર જ બનાવી શકાય છે. જેથી બીજી વસ્તુ બજારમાંથી લેવી પડતી નથી .આમ મને ઘણાં ફાયદાઓ થયા છે. પ્રાકૃતિક ખેતીના લીધે તેમની જમીન બંધારણમાં સુધારો આવ્યો, પાણીની નિતારશક્તિ વધી તેમજ અળસિયાનું પ્રમાણ વધતાં ઝેરમુક્ત પાક મળવા લાગ્યો. તેની સાથે જ સુક્ષ્મતત્વો તથા મિત્ર કીટકોનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે પાકની ગુણવત્તામાં વધારો થયેલો છે. દરેક ખેડૂતોએ જમીનના રક્ષણ અને પાકની ગુણવત્તા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ તેવો અનુરોધ તેમણે કર્યો હતો.
જિજ્ઞા પાણખાણિયા