આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત સહકારી સંસ્થાઓ દ્વારા કચ્છ જિલ્લાના ધાર્મિક સ્થળૉ પર સફાઈ અભિયાન

આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ ૨૦૨૫ની ઉજવણી થઇ રહી છે ત્યારે રાજ્ય સરકારની ખાસ સુચના હેઠળ
ગુજરાતના સ્થાપના દિવસે કચ્છ જિલ્લાની સહકારી સંસ્થાઓ દ્વારા કચ્છમાં વિવિધ ધાર્મિક સ્થળો ઉપર સફાઇ અભિયાન
હાથ ધરાયું હતુ. કચ્છ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) સુ.શ્રી મેઘા અગરવાલ ના માર્ગદર્શન હેઠળ કચ્છની મહત્વની તમામ સહકારી મંડળીઓ- જિલ્લા સંઘો- બજાર સમિતીઓ- દુધ સંઘ (સરહદ ડેરી) – વગેરેએ આ કામગીરીમાં યોગદાન આપ્યુ હતુ. સફાઈ અભિયાન અંતર્ગત જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ કચ્છ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી. સરહદ ડેરી દ્વારા ચાંદરાણી સ્થિત વડવાળા હનુમાન મંદિર તથા સંત રામચરણ દાસ બાપુના અખંડ ધુણા ખાતે સાફ-સફાઇ કરવામાં આવી હતી. આ કાર્યક્રમની ઉજવણી અમૂલ ફેડરેશનનાં વાઈસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજી ભાઇ હુંબલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. જેમાં અંજાર બજાર સમિતીના વા. ચેરમેન પ્રકાશભાઈ લોદરીયા ડાયરેક્ટર અનીલ ભાઇ હુંબલ, ચાંદરાણી ગામના માજી સરપંચ ધનજી ભાઇ હુંબલ તથા ચાંદરાણી સેવા સહકારી મંડળીના પ્રમુખશ્રી , ડેરીના
તમામ કર્મચારીઓ તથા ગ્રામજનો જોડાયા હતા. કચ્છ જિલ્લામાં તાલુકા કક્ષાએ બજાર સમિતિઓ તથા સહકારી ખરીદ વેચાણ સંઘોના ઉપક્રમે સહકારી સંસ્થાઓના હોદ્દેદારો , ડાયરેક્ટરો, સભાસદો, કર્મચારીઓ અને ગ્રામજનોની હાજરીમાં ધાર્મિક સ્થળો ઉપર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ.

