જિલ્લા પંચાયત ભુજ ખાતે જિલ્લા આરોગ્યની સમીક્ષા સમિતિની બેઠક મળી


કચ્છ જિલ્લામાં આરોગ્ય વિષયક સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અમલી વિવિધ કામગીરીની સમીક્ષા સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ગત મિટિંગમાં થયેલી કાર્યવાહીને વંચાણે લઈ તેને બહાલી આપવામાં આવી હતી. જેમાં ન્યુટ્રીશન, રસીકરણ, શાળા આરોગ્ય તપાસણી, બિન સંક્રામક રોગોનો અટકાવ, ટી.બી. નિર્મૂલન તેમજ કુટુંબ કલ્યાણ કામગીરી, માતા અને બાળ આરોગ્ય વિષયક કામગીરીમાં ટેક્નોલોજીના ઉપયોગ આધારિત બાબતો પર જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ એ બાલસેવા કેન્દ્ર (CMTC) અને બાલસંજીવની કેન્દ્ર (NRC) ની કામગીરી સમીક્ષા કરીને તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓને અને ICDS ના પ્રોગ્રામ ઓફીસરને બાળકોના પોષણયુક્ત સ્વાસ્થ્ય તરફ ખાસ ધ્યાન આપવું તેમ સૂચન કર્યું હતું.
કુપોષણ મુક્ત ગુજરાત કાર્યક્રમ, નેશનલ આર્યન પ્લસ ઈનિશિએટીવ કાર્યક્રમ, નેશનલ ડી-વોર્મિંગ ડે અને વિટામીન-એ બાય એન્યુઅલ રાઉન્ડની માર્ચમાં ઉજવણી, માતા અને બાળપોષણ યોજનાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લામાં થયેલ બાળ મરણ અને માતા મરણ માટેના કારણોના વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. વર્ષ દરમિયાન જે કુલ ૧૬ સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાંથી ખાવડા, ભચાઉ અને નલીયાની ઉત્તમ કામગીરી તેમજ ગાગોદર, નિરોણા,અને આડેસરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે પ્રસૂતિ સંખ્યા વધારે નોંધાઈ તે બદલ આરોગ્ય કર્મચારીઓને બિરદાવવામાં આવ્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અંતર્ગત નવજાત શિશુથી ૧૮ વર્ષ સુધીના શાળા એ જતા અને ન જતા જિલ્લાના બાળકોના સ્વાસ્થ્યની પ્રાથમિક આરોગ્ય તપાસણીથી લઈને સઘન સારવાર સુધીની સેવાઓ પૂરી પાડવા આવે અને આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓને પરિપૂર્ણતા સુધી લઈ જવા, ફિલ્ડ પર જઈ સર્વે વધારવા, ઘનિષ્ઠ રીતે આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા બાબતે વિસ્તૃત સમજ પૂરી પાડવામા આવી હતી.
આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. મિતેષ ભંડેરી, જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ. મનોજ દવે, એફ.એસ.ઓ. શ્રી,એફ.ડી.સી.એ.,ભુજ-કચ્છ. એમ.એમ.પટેલ, GAIMS અદાણીના ગાયનેક વિભાગના HOD, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલા, પ્રોગ્રામ ઓફિસર દશરથ પંડ્યા, ઇન્ચાર્જ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, ઇન્ચાર્જ જિલ્લા આર.સી.એચ.ઓ.શ્રી, ઈ.એમ.ઓ.શ્રી, પી.આઈ.યુ. ના ઈજનેર શ્રી અરવિંદસિંહ જાડેજા, તમામ તાલુકા આરોગ્ય અધિકારીઓ, ગાંધીધામ, નખત્રાણા, માંડવી, અંજાર, રાપર ની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ્સના અધિકારીઓ, સામૂહિક આરોગ્ય કેન્દ્રોના અધિક્ષક, ડી.પી.સી. આરોગ્ય અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર્સ તેમજ આશા બહેનો સાથે સંબંધિત આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
