કચ્છની વિવિધ સેવાભાવી સંસ્થાઓ, એનજીઓ સાથે બેઠક યોજીને જનભાગીદારીથી યોગ દિવસની ઉજવણી કરવા જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલનું સૂચન 

દર વર્ષે ૨૧ જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કચ્છમાં જિલ્લાકક્ષાની તેમજ તાલુકાકક્ષાની ઉજવણીને લઈને જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલની અધ્યક્ષતામાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને એનજીઓ તેમજ જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને સ્મૃતિવન ભુજ ખાતે યોજાશે.‌

કચ્છમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી સ્મૃતિવન ભુજ ખાતે કરવામાં આવનાર હોય કલેક્ટરશ્રી આનંદ પટેલે વિવિધ તૈયારીઓ અંગે સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી વિગતો મેળવીને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. કચ્છમાં આવેલી વિવિધ સંસ્થાઓ અને એનજીઓના પ્રતિનિધિશ્રીઓ સાથેની બેઠકમાં કલેક્ટરશ્રીએ યોગ દિવસની ઉજવણીમાં મહત્તમ સહયોગ આપવા અને જનજન સુધી પ્રચાર પ્રસાર કરવા અંગે સૂચન કર્યું હતું. કલેક્ટરશ્રીએ જિલ્લાકક્ષાની ઉજવણી ઉપરાંત તાલુકાકક્ષાની ઉજવણીમાં પણ‌ વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને એનજીઓ સહભાગી થાય એમ ઉમેર્યું હતું.

આ ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે કચ્છ જિલ્લામાં આયોજિત યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં બેઠક વ્યવસ્થા, યોગ કોચ, યોગા પ્રોટોકોલ અભ્યાસ, પાર્કિંગ વ્યવસ્થા સહિતના મુદ્દે અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપીને સુચારૂ આયોજન કરવા જણાવ્યું હતું.

        કચ્છ જિલ્લાકક્ષાનો કાર્યક્રમ સ્મૃતિવન ભુજ ખાતે યોજવામાં આવશે. જ્યારે નખત્રાણામાં ટી.ડી.વેલાણી હાઈસ્કૂલ, માંડવીમાં ચુનીલાલ વેલજી ઉદ્યાન, અંજારમાં આહિર બોર્ડિંગ ગ્રાઉન્ડ, અબડાસામાં ખરવાડા ગ્રાઉન્ડ છાડુરા, લખપતમાં પી.એમ.લીંબાણી સ્કૂલ દયાપર, ગાંધીધામમાં રમત-ગમત સંકુલ, મુન્દ્રામાં અદાણી પબ્લિક સ્કૂલ, ભચાઉમાં પટેલ બોર્ડિંગ અને રાપરમાં સ્વામીનારાયણ ગુરૂકુલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે. 

               રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ‘યોગા ફોર વન અર્થ, વન હેલ્થ’ અને ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત’ થીમને ધ્યાન રાખીને યોગના શારીરિક, માનસિક અને સામાજિક ફાયદાઓ અવગત કરાવતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય યોગ નિમિત્તે સવારના ૬.૦૦ કલાકથી લઈને ૭.૪૫ કલાક સુધીના કાર્યક્રમમાં મહાનુભાવોના ઉદ્બોધન સાથે યોગ શિક્ષક દ્વ્રારા કોમન યોગ પ્રોટોકોલ અભ્યાસ કરાવાશે.

         આ બેઠક દરમિયાન પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ, ભુજ પ્રાંત અધિકારીશ્રી ડૉ. અનીલ જાદવ, નોડલ અધિકારીશ્રી તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દેવાંશી ગઢવી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજય પરમાર, કચ્છની વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને એનજીઓના પ્રતિનિધિશ્રીઓ સહિત તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લા યોગ સંયોજક અને યોગ બોર્ડના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.