રાપર અને ભચાઉના પાણી પુરવઠા તેમજ સિંચાઈ વિભાગના કામોની સમીક્ષા કરતા  જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

ગુજરાતના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા આજરોજ કચ્છ જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા એ કચ્છના ભચાઉ તાલુકાના કટારીયામાં રાજબાઈમાતા હેડવર્ક્સ ખાતે પાણી પુરવઠા વિભાગના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ ઉપસ્થિત અધિકારીશ્રીઓ પાસેથી વિગતો મેળવીને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. જે બાદ પાણી પુરવઠા મંત્રીશ્રીએ રાપર તાલુકાના મેવાસા ખાતે સિંચાઈ વિભાગની નાની સિંચાઈ યોજનાના હાલમાં ચાલી રહેલા વિવિધ કામોની સમીક્ષા કરી હતી. પેયજળ સહિત સિંચાઈ વિભાગના કામો ઝડપથી પૂર્ણ થાય અને લોકોને તેનો લાભ મળે તે દિશામાં કામગીરી કરવા મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું. આ ઉપરાંત, મંત્રીશ્રીએ ભચાઉ તાલુકાના લીલીયાણા ગામ‌ ખાતે ચાલી રહેલા કામોની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ મુલાકાત કચ્છના જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, વિવિધ પદાધિકારીશ્રીઓ અને પાણી પુરવઠા વિભાગ તેમજ સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.