માંડવી તાલુકાના વિવિધ ગામોની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં યોજાયેલા “શાળા પ્રવેશોત્સવ” કાર્યક્રમમાં રંગેચંગે બાળકોને શાળા પ્રવેશ કરાવાયો


“ઉત્સવ…બાળકોના સર્વાંગી વિકાસની” થીમ સાથે ૨૮ જૂન સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ -૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે માંડવી તાલુકામાં પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓની હાજરીમાં રંગેચંગે બાળકોને શાળા પ્રવેશ કરાવાયો હતો.
વાડા પ્રાથમિક શાળા, ભારાપર પ્રાથમિક શાળા, દુર્ગાપુર હાઇસ્કૂલ ખાતે હોમ ડિપાર્ટમેન્ટના અંડર સેક્રેટરીશ્રી તિર્થકુમાર પટેલના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયા હતા. આ પ્રસંગે શ્રી તીર્થકુમાર પટેલે શિક્ષણને જીવન ઘડતરની ચાવી ગણાવીને કન્યાશિક્ષણ પર ભાર મુક્યો હતો. આ સાથે દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા વાલીઓને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે બાળકોને મીઠું મોઢું કરાવીને વિવિધ ભેટ સોગાદ સાથે શાળામાં આવકાર અપાયો હતો.
વીઆરટીઆઇ પ્રાથમિક શાળા, નાગલપુર પ્રાથમિક શાળા તથા મોટી રાયણ હાઇસ્કૂલ ખાતે પણ શિક્ષણ વિભાગના અંકુરકુમાર ઉપાધ્યાયના અધ્યસ્થાને જ્યારે મદનપુરા પ્રાથમિક શાળા, પ્રેમ સુબોધ નવનીત કોડાય હાઇસ્કૂલ તેમજ તલવાણા હાઇસ્કૂલ ખાતે સિવિલ ડિફેન્સના જોઇન્ટ સેક્રેટરી દિલીપકુમાર ઠાકરની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. તેમજ મકડા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પંચાયત સદસ્યશ્રી કેશવજીભાઇ રોશીયાએ બાળકોને ઉલ્લાસભરે શાળા પ્રવેશ કરાવ્યો હતો.
કાર્યક્રમમાં અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓએ જણાવ્યું હતું કે, આજના બાળકોએ આવતીકાલનું ભવિષ્ય છે, ત્યારે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે જોવાની જવાબદારી દરેક નાગરિકની છે. સરકારશ્રી દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તથા બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે વિવિધ યોજનાઓ અમલી કરાઇ છે સાથે જ શાળામાં વિવિધ સુવિધા પ્રાપ્ત થાય તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે દરેક માતા-પિતા પોતાના બાળકને શાળામાં પ્રવેશ અપાવે તે જરૂરી છે.
મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. ઉપરાંત શાળા ખાતે હાજર એસએમસીના સભ્યો, આંગણવાડી કાર્યકરો તેમજ ગ્રામ અગ્રણીઓ સાથે એક બેઠક યોજીને અગ્રણીઓએ વિવિધ મુદ્દે માહિતી મેળવેલ હતી.