ધ્યાનસ્થલી, કચ્છ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ યોજાયો

copy image

ગુરુની મહિમા અપરંપાર છે. આપણાં શાસ્ત્રોમાં પણ ગુરુની મહિમા દર્શાવાઈ છે. ‘ગુરુ બિન જ્ઞાન ન ઊપજે’ એ ઉક્તિ મુજબ ગુરુ વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ગુરુ-શિષ્ય પરંપરા એ ભારતીય અધ્યાત્મનો આધારસ્તંભ ગણાય છે. શિષ્યના જીવનમાં ગુરુપૂર્ણિમાનો દિવસ ખાસ હોય છે. હિમાલયના સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના સાંનિધ્યમાં ધ્યાનસ્થલી,કચ્છ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવનું ત્રિ-દિવસીય આયોજન તા. 9 થી 11 જુલાઈ દરમિયાન કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છ ના સાધકો ઓનલાઇન માધ્યમ થી જોડાયા હતા ધ્યાનસ્થલી મોરબી ખાતે ત્રિ-દિવસીય કાર્યક્રમનો મંગલ પ્રારંભ શ્રી શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનના ડાયરેક્ટર શ્રી અમ્બરીષભાઈ મોડક, સમર્પણ આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અશ્વિનભાઈ કોડિયાતર, આશ્રમ વ્યવસ્થાપક શ્રીમતી કોકિલાબેન કાકડીયા, ઇવેન્ટ અધ્યક્ષ શ્રી કિરણભાઈ પવાર તેમજ ધ્યાનસ્થલી, મોરબીના પૂર્વ ટ્રસ્ટી શ્રીમતી જિજ્ઞાબેન ગોહિલ દ્વારા દીપપ્રાગટય કરીને કરવામાં આવ્યો હતો.
ગુરુપૂર્ણિમા પર્વમાં દેશવિદેશમાંથી 2500થી વધુ સાધકો ઉપસ્થિત રહ્યા હતા.
હિમાલયીન ધ્યાનયોગની આ પચ્ચીસમી ગુરુપૂર્ણિમાના અવસરે પૂજ્ય સ્વામીજીએ ધ્યાન, સેન્ટર પર ધ્યાનનું મહત્ત્વ, ધ્યાનમાં નિયમિતતા તથા પરમાત્મા તેમજ ગુરુપૂજા વિશે સમજાવ્યું હતું. ધ્યાન વિશે પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે ગુરુપૂર્ણિમાની સૌથી મહત્ત્વની વાત ગુરુપૂજા છે. ગુરુપૂજા એટલે ગુરુના શરીરની પૂજા નહીં, પરંતુ એ શરીરમાંથી વહેતા ચૈતન્યની પૂજા છે. જો ગુરુને શરીર માનશો તો તે શરીર છે, પરંતુ તેની અંદર રહેતા ચૈતન્યનો અનુભવ કરશો તો પરમાત્માનો અનુભવ થશે. તો ગુરુપૂર્ણિમાની પૂજા પરમાત્માના ચૈતન્યની પૂજા છે. પોતાને આત્મા માનીને, ગુરુને પરમાત્મા માનીને ગુરુપૂજામાં સામેલ થઈએ તે શ્રેષ્ઠ પૂજા છે.
કાર્યક્રમના પ્રથમ દિવસે શ્રી ઓસમાણ મીર અને શ્રી આમિર મીર દ્વારા સંતવાણી અને ગુરુભજન પીરસવામાં આવ્યાં હતાં.
બીજા દિવસે પૂજ્ય સ્વામીજીના પ્રવચન સાથે ગુરુપૂજન તેમજ પાદુકાનમનનો લાભ ઉપસ્થિત સાધકોએ લીધો હતો. બીજા સત્રમાં પૂજ્ય ગુરુમાની મધુર વાણીમાં પ્રવચનનો લાભ લીધો હતો, જેમાં તેમણે પ્રાર્થના, પરિવાર વચ્ચે સાયુજ્ય તેમજ વાર્તાના માધ્યમથી જીવનનાં અનેક મૂલ્યો સમજાવ્યાં હતાં. ત્રીજા અને અંતિમ દિવસે પૂજ્ય સ્વામીજીના સાંનિધ્યમાં પ્રાતઃકાલીન સામૂહિક ધ્યાનનો સાધકોએ લાભ લીધો હતો. ત્રીજા દિવસનું અંતિમ સત્ર પ્રશ્નોતરીનું હતું, જેમાં સાધકોને એમના આધ્યાત્મિક પ્રશ્નોનું પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા સમાધાન પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ શ્રી શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનના ડાયરેક્ટર શ્રી અમ્બરીષભાઈ મોડક દ્વારા ધ્યાન એપ તેમજ ટેકનોલોજીના ઉપયોગ સાથે આશ્રમ તેમજ સંસ્થા અને સાધકોની પ્રગતિ માટેના વિકલ્પોની ચર્ચા કરી હતી. ત્રણ દિવસની સમાપ્તિના અંતે સાધકોએ ઊર્જા, અનુભૂતિ અને આધ્યાત્મિક યાદો સાથે વિદાય લીધી હતી.
ગુરુપૂર્ણિમાના દિવસે ભારતની અલગ-અલગ ધ્યાનસ્થલી તથા વિદેશના સમર્પણ આશ્રમોના માધ્યમથી લાખો સાધકો ઓનલાઇન જોડાયા હતા.
ગુરુપૂર્ણિમાના સ્થળ પર ધ્યાનસ્થલી, મોરબી વિસ્તારનાં પક્ષીજગતનું સચિત્ર પ્રદર્શન તથા અધ્યાત્મનાં પાંચ પગથિયાં પર પ્રદર્શન મૂકવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગુરુતત્ત્વની ટીમ તેમજ ગુરુકાર્યરત સાધકોએ યોગદાન આપ્યું હતું.