પહેલા નલ સે જલ, મનરેગા અને હવે GIDC માં કરોડોનું કૌભાંડ

આજરોજ ગુજરાત વિધાનસભા ખાતે પ્રેસ વાર્તામાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતુ કે, છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપના શાસનમાં જે રીતે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ચુક્યો છે, કમિશન રાજ ચાલે છે, કોઈની પણ શેહ, શરમ કે ડર વિના સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદથી, મીલીભગતથી ખુલ્લેઆમ પ્રજાના ટેક્ષના પૈસાની લુંટ ચલાવવામાં આવી રહી છે, એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે. નલ સે જલ યોજનામાં કરોડોનું કૌભાંડ, મનરેગામાં કરોડોનું કૌભાંડ, જમીનના કરોડોના કૌભાંડ અને લાખો નહિ પણ કરોડોથી ઓછું કૌભાંડ ગુજરાતમાં દેખાય નહિ તેવી રીતે ચાલી રહ્યું છે. GIDCમાં પહેલા પણ અનેક કૌભાંડો બહાર આવી ચુક્યા છે, ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં છે, ઔદ્યોગિક વિકાસના નામે પોતાના ખિસ્સા ભરવાની એક વ્યવસ્થિત પધ્ધતિથી GIDCમાં નેટવર્ક ચાલે છે. જુન મહિનામાં ઓડીટ વિભાગ દ્વારા પ્રિન્સીપલ એકાઉન્ટ જનરલના ઓડીટ રીપોર્ટની પ્રાથમિક કોપી સબમિટ કરવામાં આવી છે. GIDCમાં જે ટેન્ડરો થાય છે એમાં જે રકમ નક્કી થાય, કોન્ટ્રકટ અપાય અને ત્યારે પછી કરોડો રૂપિયાની રકમ Extra Excess તરીકે ચુકવવામાં આવે છે. ઓડીટ રીપોર્ટમાં ગંભીર ક્ષતિ ધ્યાનમાં આવી છે તે મુજબ લગભગ ૩૫ કરોડ રૂપિયાના કામ કોઈપણ જાતના ટેન્ડર વગર માનીતી એજન્સીને આપી દેવામાં આવ્યા છે. ઓડીટમાં એ પણ પેરો કાઢ્યો છે કે માનીતી કંપનીઓને લાભ કરાવવા માટે ટેન્ડરમાં શરતો સુધારવામાં આવી છે, કંપની દ્વારા ખોટી માહિતી આપવા છતાં એને સુધારીને ચોક્કસ કંપનીને લાભ કરાવવામાં આવ્યો છે. ખાસ કરીને FMG ને ટેસ્ટીંગ માટેની રકમ જે તે એજન્સી પાસેથી વસુલવાની હોય એવી લગભગ ૩.૫૦ કરોડ જેટલી રકમ નહિ ચૂકવીને કંપનીને ફાયદો કરવવામાં આવ્યો છે. કેટલીક જગ્યાએ એર પોલ્યુશનને લગતા સાધનો ફીટ કરવાના હતા, ખાસ કરીને દહેજ અને વાપી વિસ્તારમાં સાધનો ફીટ કાર્ય સિવાય, એના સર્ટીફીકેટ વગર લગભગ ૬.૫૦ કરોડ રૂપિયા બારોબાર ચૂકવી દેવામાં આવ્યા છે. પહેલેથી ટેન્ડર નક્કી થયું હોય કે ઉપભોક્તા માટે વસ્તુઓ એટલે કે ટેન્ડરની જે એજન્સી છે એણે પુરી પડવાની હોય પણ પાછળથી શરતો સુધારી એનો ખર્ચ પણ GIDC દ્વારા કરવામાં આવ્યો. લગભગ ૩.૫૦ કરોડ કરતા વધારેની રકમનો એજન્સીઓને ફાયદો કરાવવામાં આવ્યો છે. પ્રાથમિક અહેવાલ જોઈએ તો ૬૦ કરોડ રૂપિયા જેટલી રકમ GIDCને ચોક્કસ અધિકારીઓ દ્વારા ચૂનો ચોપડવામાં આવ્યો છે, ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.
વધુમાં શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે મને એક જાગૃત નાગરિક દ્વારા પુરાવા રૂપે ફરિયાદ મળી છે કે ચોક્કસ અધિકારીઓની એક સીન્ડીકેટ ચાલે છે જે વ્યવસ્થિત રીતે કરોડો રૂપિયાનું કૌભાંડ કરે છે. GIDCના ચીફ એન્જીનીયર રમેશ ભગોરાનો કાર્યકાળ ખુબ વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે, નોકરીની શરૂઆતથી લઇ લાયકાત ધરાવતા ના હોવા છતાં અનેક પ્રમોશનો મળ્યા, અનેક જગ્યાનો વધારાનો એમને ચાર્જ સોંપવામાં આવ્યો, લાયકાત સિવાય ચીફ એન્જીનીયર બનાવવામાં આવ્યા અને નિવૃતિ પછી પણ એક્ષ્ટેન્શન આપવામાં આવ્યું. જેની ફરિયાદો અને વિગતો મળી છે તે મુજબ એમના કાર્યકાળ દરમ્યાન ૧૫૦ કરોડ રૂપિયા જેટલી રકમના Extra Excessના બીલો ચુકવવામાં આવ્યા છે. કોઈપણ ડીપાર્ટમેન્ટમાં કોઈ કોન્ટ્રકટર હોય એ કોઈ Extra Excess માટેનું બીલ લઈને જાય તો વિભાગમાં ક્લીયર કરાવતા મહિનાઓ નીકળી જાય પણ અહિયાં જે વિગતો આપવામાં આવી છે તે મુજબ શ્રી ભગોરાના સમયગાળામાં Extra Excessના બીલો ગણતરીના દિવસોમાં ક્લીયર થયા છે અને એ પણ એવો સમયગાળો હતો જયારે નિવૃત્તિના સમયગાળામાં ખુબ ઝડપથી ૧૫૦ કરોડ જેટલી રકમના બીલો ચુકવવામાં આવ્યા છે.સાથે એમના માનીતા અધિકારીઓને અનેક જગ્યાએ પોસ્ટીંગ આપવામાં આવ્યું, એમની વાતમાં ખોટું કરવામાં જે અધીકારીઓ સંમત ના થયા એવા લોકોને સાઈડમાં મુકવામાં આવ્યા, એમની વિરુદ્ધ એમના વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ફરિયાદ કરી તેમ છતાં કોઈ પગલા ના લેવાયા. કોઈને પૂછ્યું કે આમની સામે કેમ પગલા લેવાતા નથી. તો કહે કે એમને ચૂંટણીઓ હોય તો કેટલાક જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવે છે કે આટલા જિલ્લાઓમાં ચોક્કસ લોકોને આટલું ચૂંટણી ફંડ પહોંચાડવાનું છે અને એના કારણે એમને ઉપરથી ચાર હાથ હોય, આશીર્વાદ હોય એના કારણે ખુલ્લેઆમ એમના સમયમાં ભ્રષ્ટાચાર થયો છે. જયારે ઓડીટે પણ ચોખ્ખા પેરા મારફતે ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો છે, ત્યાના જાગૃત નાગરિકોએ પણ વિગતવાર માહિતી આપી છે અને જયારે જુન મહિનામાં ઓડીટ થયું એમાં પેરામાં ૬૦ કરોડની સીધી ગેરરીતિની વિગતો આપવામાં આવી છે તેમ છતાં આ કોઈનાથી ડરતા નથી.
વધુમાં શ્રી ચાવડાએ જણાવ્યું કે પહેલી જુલાઈના રોજ ફરી એક ટેન્ડરમાં ૩૦ કરોડ રૂપિયા કરતા વધારે રકમનું Excess ચૂકવણું કરવામાં આવે છે. એનો સ્પષ્ટ મતલબ છે કે કોઈના ડર વગર ઉપરના આશીર્વાદથી આવા અધિકારીઓ અને બાકીલોકોના મેળાપીપણાથી ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. ત્યારે અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે બહુ પ્રમાણિકતાથી ઓપરેશન ગંગાજળની વાત કરો છો, માન. મુખ્યમંત્રીશ્રી સરપંચ સંમેલનમાં નવા ચૂંટાયેલા સરપંચોને સલાહ આપે છે કે ભ્રષ્ટાચાર કરતા નહિ, કોઈની વાતોમાં આવતા નહિ, નહિ તો છોડવામાં નહિ આવે. તો મુખ્યમંત્રીને કહેવું છે કે તમારા રાજમાં GIDCના અધિકારીઓ અને મળતિયાઓ છે એમના દ્વારા કરોડોનું ખોટું થઇ રહ્યું છે. ઓડીટે પેરા કાઢ્યા છે, તો છેલ્લા પાંચ વર્ષમાં GIDCમાં જેટલા પણ ટેન્ડરો થયા છે એ તમામ ટેન્ડરોમાં Extra Excess તરીકે લગભગ ૧૫૦ કરોડ રૂપિયાના જે વધારેના ચુકવણા થયા છે એની તપાસ થવી જોઈએ, સાથસાથે જેટલા પણ કામ થયા છે એમાં આક્ષેપ છે કે સ્થળ પર કામ થયા નથી, મશીનો લાગ્યા નથી તેમ છતાં ચૂકવણું કરવામાં આવ્યું છે. તો એક તપાસ સમિતિ બનાવી આ તમામ કામોની તપાસ થવી જોઈએ. જયારે Extra Excess બીલ ચૂકવવાનું હોય તો અમુક રકમથી વધારેનું બીલ થાય તો ચીફ એન્જીનીયરને પણ સત્તા હોતી નથી એના માટે એમણે મંજુરી લેવાની થાય છે, નાણાં વિભાગમાં મંજુરી લેવાની થાય છે, કોઇપણ મંજુરી વગર ચુકવણા થયા છે તેવા તમામ નાણાંકીય વહેવારોની પણ તપાસ કરવા માટે તપાસ સમિતિ નીમવામાં આવે. આવા કૌભાંડોની તપાસ થવી જોઈએ. પ્રજાના ટેક્ષના, પરસેવાના પૈસાની જે ઉઘાડી લુંટ ચાલી રહી છે તેને અટકાવી જોઈએ અને જે જવાબદારો હોય એમને જેલના સળિયા પાછળ નાખવા જોઈએ અને જે આવા અધિકારીઓ હોય કે કોઈ નેતા હોય એની પર કરોડો રૂપિયાના આક્ષેપ લાગે છે, ભ્રષ્ટાચારના પુરાવા લોકો આપે છે તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થતી નથી. તો ખાતાકીય તપાસ થાય એટલું જરૂરી નથી. એ.સી.બી.ની તપાસ થવી જોઈએ અને ઈ.ડી. અને ઇન્કમ ટેક્ષ કોઈ સામાન્ય લોકોને ત્યાં પહોંચી જાય છે તો આવા કરોડોનું કૌભાંડ કરવાવાળાને ત્યાં કેમ નથી જતી એ મુખ્યમંત્રીશ્રી તપાસ કરાવે એવી માંગણી કરીએ છીએ.