કચ્છના કેબલ ઓપરેટરોને પીજીવીસીએલ તથા બીએસએનએલ નેટવર્ક થાંભલાનો ઉપયોગ ન કરવા ફરમાન

કચ્‍છ જિલ્‍લામાં કેબલ ટી.વી.ઓપરેટરો દ્વારા કોઇપણ પ્રકારની મંજૂરી લીધા વગર પી.જી.વી.સી.એલ.ની વીજ કનેક્શન લાઇન નેટવર્ક તથા બી.એસ.એન.એલ.ના થાંભલાનો ઉપયોગ કરી પોતાના કેબલો ગેરકાયદેસર લંબાવીને ગ્રાહકોને ટી.વી.કેબલ/ઈન્‍ટરનેટ કનેક્શન આપવામાં આવે છે. આ બાબત જાહેર જનતાના જાન-માલની સલામતી માટે અત્‍યંત જોખમી છે. ભૂતકાળમાં પણ આ કારણે ઘણાં અકસ્‍માતના બનાવો બનેલા છે. જેમાં માનવ મૃત્‍યુના બનાવો પણ નોંધાયેલા છે. આમ જાહેર જનતાના જાન-માલની સલામતી માટે પી.જી.વી.સી.એલ. નેટવર્ક તથા બી.એસ.એન.એલ.ના થાંભલા પરથી ટીવી/ઈન્‍ટરનેટના કેબલ દૂર કરવા અત્‍યંત જરૂરી છે.

        કચ્છ જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ હુકમ ફરમાવેલ છે કે,  જિલ્‍લામાં કોઇપણ ટીવી કેબલ ઓપરેટરો પી.જી.વી.સી.એલ.ના ઈલેકટ્રીક નેટવર્ક તથા બી.એસ.એન.એલ.ના થાંભલા પર ટીવી પ્રસ્‍થાપિત કરેલા હોય તો તે દૂર કરવા અને કોઇએ નવા પ્રસ્‍થાપિત કરવા નહીં. તેમજ પી.જી.વી.સી.એલ. દ્વારા દૂર કરાયેલા ટીવી કેબલ પી.જી.વી.સી.એલ.ના નેટવર્ક પર પુનઃપ્રસ્‍થાપિત કરવા નહીં.

        ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઇઓ ધ્યાને લઇ આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે આ જાહેરનામા હેઠળ તપાસ કરવાનાં જાહેરનામાનાં પાલન કરાવવાનાં અને તપાસના અંતે ફરિયાદ રજૂ કરવાના અધિકાર જિલ્લા પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરના કર્મચારીઓને રહેશે.

        આ હુકમ તા.૧૨/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમના કોઇપણ ખંડ કે ભાગનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતાની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

અંજના ભટ્ટી