કચ્છના ટ્રાન્સપોર્ટ ઓપરેટરો રાજ્ય/જિલ્લા બહારના ડ્રાઈવર્સ અને ક્લિનરની નોંધણી કરાવ્યા સિવાય કામે રાખી શકાશે નહીં
કચ્છમાં લૂંટ, ધાડ અને ચોરીના બનાવો ઉપર અંકુશ આવે અને રાજ્ય અને જિલ્લા બહારથી આવતા અસામાજિક તત્વો ઉપર પૂરતી વોચ રહે તેમજ પોલીસ તપાસ માટે વિગતો ઉપલબ્ધ બને તે માટે કચ્છ જિલ્લામાં કાર્યરત તમામ ટ્રાન્સપોર્ટ ઓપરેટરોને પોતાના વાહનોમાં ડ્રાઈવર, ક્લિનરોને કામે રાખતા પહેલા તેઓના નામ, સરનામા સહિતની જરૂરી વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા જાહેરનામામાં જણાવાયું છે અને આ જાહેરનામું તા.૧૨/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.
જાહેરનામા મુજબ દરેક ટ્રાન્સપોર્ટ ઓપરેટરોએ કામે રાખેલા રાજ્ય બહારના ડ્રાઈવર/ક્લિનરોની વિગત આપીને સંબંધિત પોલીસ સ્ટેશનમાં ડીટેઇલ બાયોડેટા સહિત નોંધણી કરાવી લેવાની રહેશે. ત્યારબાદ વણ નોંધાયેલા ડ્રાઈવર/ક્લિનરો કામગીરી કરી શકશે નહીં. આ હુકમમાં વધુમાં જણાવ્યા અનુસાર કામે રાખેલા રાજ્ય બહારના ડ્રાઈવર/ક્લીનર પૈકી કોઇ છૂટા થાય તો તેની વિગત તથા નવા ઉમેરાયેલા નામોની યાદી દર માસે જે-તે વિસ્તારના નજીકના પોલીસ સ્ટેશનને પુરી પાડવાની રહેશે. કોઇપણ ટ્રાન્સપોર્ટ ઓપરેટરો રાજ્ય બહારના ડ્રાઈવર્સ/ક્લિનરોને નોંધણી કરાવ્યા સિવાય કામે રાખી શકશે નહીં.
આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય દંડ સંહિતાની કલમ-૨૨૩ મુજબની શિક્ષાને પાત્ર થશે તેમ જાહેરનામામાં જણાવાયું છે.
અંજના ભટ્ટી