ઔદ્યોગિક એકમોના મજૂરોની તમામ વિગતોનું રજિસ્ટર નિભાવવા જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડયું
કચ્છમાં ભૂકંપ બાદ રાજ્ય સરકારશ્રીની નીતિ અનુસાર મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો શરૂ થયેલા છે અને ઔદ્યોગિક એકમોમાં રાજ્ય અને જિલ્લા બહારથી આવતા અસામાજિક તત્વો ઉપર પૂરતી વોચ રહે તેમજ પોલીસ તપાસ માટે વિગતો ઉપલબ્ધ બને તે માટે કચ્છ જિલ્લામાં આવેલા તમામ ઔદ્યોગિક એકમો તરફથી જે લેબર કોન્ટ્રાક્ટર્સ પાસેથી મજૂરો મેળવવામાં આવે છે, તેઓને કામે રાખતા પહેલા તેઓ બાબતે નામ, સરનામા સહિતની જરૂરી વિગતો રખાય, તે ખૂબ જ જરૂરી હોવાથી કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ ઔદ્યોગિક એકમોએ લેબર કોન્ટ્રાક્ટર્સ પાસેથી મેળવેલા મજૂરો બાબતે કાર્ય પદ્ધતિ મુજબ અમલ કરવાનું જાહેરનામું બહાર પડાયું છે.
દરેક ઔધોગિક એકમોના લેબર કોન્ટ્રાક્ટર્સે પ્રથમ મદદનીશ મજૂર કમિશનરશ્રી, ગાંધીધામ અથવા ભુજ (જેનો વિસ્તાર લાગુ પડે તે પ્રમાણે) પાસેથી નોંધણી કરાવી લેવાની રહેશે. ત્યારબાદ વણ નોંધાયેલા લેબર કોન્ટ્રાક્ટર્સ, મજૂરો પુરા પાડવાની કામગીરી કરી શકશે નહીં. આ તારીખ પછી લેબર કોન્ટ્રાક્ટર્સ મજૂર પુરા પાડતાં પહેલા સંબંધિત મદદનીશ મજૂર કમિશનરશ્રી, પાસેથી નોંધણી કરાવી લેવાની રહેશે.
નોંધણી કરાવેલા લેબર કોન્ટ્રાક્ટર્સે જુદા જુદા ઔદ્યોગિક એકમોને પુરા પાડેલા મજૂરોની યાદી મદદનીશ કમિશનરશ્રી, ગાંધીધામ તથા પોલીસ અધિક્ષકશ્રી, ભુજ અને ગાંધીધામને દર માસે પુરી પાડવાની રહેશે. તેમાં મજૂરોના નામ, પાકા સરનામા તથા ફોટા સાથે ઉંમર સહિતની વિગતો આપવાની રહેશે. પુરા પાડેલ મજૂરોની ઓળખ સાબિત કરવા માટે ફોટા સાથેના ઓળખપત્રની નકલ લેબર કોન્ટ્રાક્ટર્સે પોતાની કચેરીમાં રાખવાની રહેશે અને માંગણી કરવામાં આવે ત્યારે રજૂ કરવાની રહેશે. કામે રાખેલા મજૂરો પૈકી મજૂરો છૂટા થાય તો તેની વિગત તથા નવા ઉમેરાયેલા નામોની યાદી દર ત્રણ માસે મદદનીશ મજૂર કમિશનરશ્રી, ગાંધીધામ તથા પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ તેમજ પૂર્વ ગાંધીધામને આપવાની રહેશે તેમ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ઔદ્યોગિક એકમોએ રોકેલ લેબર કોન્ટ્રાકટરોની માહિતી દર માસે પોલીસ અધિક્ષકશ્રી, ભુજ તથા ગાંધીધામ ખાતે મદદનીશ મજૂર કમિશ્નરશ્રી, કચેરીને આપવાની રહેશે. લેબર કોન્ટ્રાકટરોએ કામે રાખેલ મજૂરોની સંપૂર્ણ વિગતો તથા ફોટા સાથેનું રજિસ્ટર નિભાવવાનું રહેશે તે મદદનીશ મજૂર કમિશનરશ્રી, ભુજ/ કમિશ્નરશ્રી પાસેથી સહી, સિક્કા કરાવેલું હોવું જોઇએ. જિલ્લા/રાજ્ય બહારથી પુરા પાડેલ મજૂરોનું જે તે જિલ્લા/રાજ્યનું પુરૂં સરનામું ફોટો સહિત રજિસ્ટરમાં પુરાવાના આધારે નોધવું જોઇએ. કોઇપણ લેબર કોન્ટ્રાક્ટર્સ નોંધણી કરાવ્યા સિવાય ઔદ્યોગિક એકમોને મજૂરો પુરા પાડી શકશે નહીં. તેવી જ રીતે ઔદ્યોગિક એકમ પણ નોંધણી સિવાયના લેબર કોન્ટ્રાક્ટર્સ પાસેથી મજૂરો મેળવી શકશે નહીં.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઈઓ ધ્યાને લઈ આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે જાહેરનામાં હેઠળ તપાસ કરવાનાં જાહેરનામાનાં પાલન કરાવવાનાં અને તપાસનાં અંતે ફરિયાદ રજૂ કરવાનાં અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરનાં કર્મચારીઓને રહેશે.
આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે અને આ જાહેરનામું તા.૧૨/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.
અંજના ભટ્ટી