વરસાદથી ક્ષતિગ્રસ્ત ભુજ અંજાર ગાંધીધામ સ્ટેટ હાઈવેના દુરસ્તીકરણની કામગીરી પ્રગતિમાં

copy image

રાજ્ય સરકારશ્રીની સૂચના અન્વયે કચ્છ જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓના રીપેરીંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. કચ્છના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તબક્કાવાર રીતે વિવિધ રોડનું સમારકામ કરીને રસ્તાઓને પરિવહન માટે સુગમ બનાવવામાં આવી રહ્યા છે. કચ્છના અંજાર શહેરથી ભુજ તેમજ ગાંધીધામને જોડતા માર્ગ પર ભારે વરસાદથી ખાડાઓ પડ્યાં હતા. જોકે, માર્ગ અને મકાન વિભાગ રાજ્યની ટીમ દ્વારા અંજાર શહેરમાં ચિત્રકૂટથી આશાબા જંક્શન સુધી રોડમાં ડામર પેચવર્કની કામગીરી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અત્યાધુનિક મશીનરી તેમજ માનવશ્રમ સાથે ડામર પેચવર્કની કામગીરી અંદાજે દોઢ કિલોમીટર સુધીના રોડમાં કરવામાં આવી છે. માર્ગના દુરસ્તીકરણને પ્રાથમિકતા આપીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુરજોશમાં કામગીરી કરાઈ છે. ભુજ-અંજાર-ગાંધીધામ સ્ટેટ હાઈવે ઉપર તબક્કાવાર રીતે ડામર પેચવર્કની કામગીરી શરૂ કરાઈ છે. આગામી દિવસોમાં આયોજનબદ્ધ રીતે પેચવર્ક, રોડરસ્તાઓ રીપેરીંગ કામગીરી ચાલુ રહેશે. નાગરિકો માટે પરિવહન સુગમ બને એ બાબતને પ્રાથમિકતા આપીને કચ્છના વિવિધ માર્ગોના દુરસ્તીકરણની કામગીરી કરવામાં આવી રહી છે.