કચ્છના માનવ વસાહત રહિત ૨૧ ટાપુઓ/રોક (ખડક) પર પ્રવેશ પ્રતિબંધ જાહેરનામું જારી કરાયું
પોલીસ અધિક્ષકશ્રી, ૫શ્ચિમ કચ્છ-ભુજના તથા પોલીસ અધિક્ષકશ્રી, પૂર્વ કચ્છ-ગાંધીધામ દ્વારા કચ્છમાં માનવ વસાહત રહિત કુલ-૨૧ નિર્જન ટાપુઓ ૫ર રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ તેમજ આતંકવાદી અને દેશવિરોધી પ્રવૃત્તિને રોકવા પ્રવેશ ૫ર પ્રતિબંધ મુકવા બાબતે જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત રજૂ થઈ હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ ૫ટેલ, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાના શેખરણ પીર, ઓગતરા, લુણાબેટ, ખદરાઈ પીર ટાપુ, સૈયદ સુલેમાન પીર ટાપુ, ચભડીયો ટાપુ, લુણ ટાપુ, ગોધરાઇ ટાપુ, મોટાપીર, હેમતલ (હંઈતલ), હાજી ઈબ્રાહીમ, ખાનાણા બેટ, ગોપી બેટ, સતોરી બેટ, ભકલ બેટ, સાવલા પીર, સુગર બેટ, પીર સનાઈ, બોયા બેટ, સેથવારા બેટ, સત સૈડા ટાપુ સહિત કુલ-૨૧ (એકવીસ) ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.
આ જાહેરનામામાં રાજ્ય/કેન્દ્ર સરકારની સુરક્ષા એજન્સીઓ, સરકારી કામે રોકાયેલા રાજ્ય/કેન્દ્ર સરકારના કર્મચારી/અધિકારીશ્રીઓને મુક્તિ આપવામાં આવશે.
આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
અંજના ભટ્ટી