ઈન્ડિયન આર્મી દ્વારા ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, ભુજ ખાતે ઓપરેશન સિંદૂરના મહત્વ અને સફળતાને ઉજાગર કરતા યૂથ આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરાયું


ઈન્ડિયન આર્મી દ્વારા ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, ભુજ ખાતે ઓપરેશન સિંદૂરના મહત્વ અને સફળતાને ઉજાગર કરતા યૂથ આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સેશનમાં ભુજ મિલિટરી સ્ટેશનના કર્નલ શ્રી વી.કે. સિંહ દ્વારા પ્રેઝેન્ટેશનના માધ્યમથી વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી. કર્નલ વીકે સિંહે GAIMS ના મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને ઓપરેશન સિંદૂર દરમિયાન નાગરિકો અને કચ્છના જિલ્લા વહીવટીતંત્રના સમર્થન અને સહકારને પ્રશંસનીય ગણાવ્યો હતો.
આ સત્ર દરમિયાન, વિદ્યાર્થીઓને દેશની અંદર અને સીમાપારથી રાષ્ટ્ર વિરોધી તત્વોના બદઇરાદાઓ સામે સાવચેત રહેવા અનુરોધ કરાયો હતો. સાથે જ ભારતીય સશસ્ત્ર દળોના એબ્મ્બાસેડર્સ તરીકે યુવાનોની ભૂમિકા અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓ દરમિયાન ભ્રામક માહિતીના ફેલાવવાને અટકાવવામાં તેમની જવાબદારીને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓને સંબોધન દરમિયાન કર્નલશ્રી દ્વારા વિશ્વસનીય સત્તાવાર મીડિયા હેન્ડલ્સ અને ચેનલો વિશેની માહિતી પણ શેર કરવામાં આવી હતી. ઓપરેશન સિંદૂર દરમિયાન, દેશના દરેક નાગરિકે ભારતીય સેના પર વિશ્વાસ કર્યો અને એક યોદ્ધાની જેમ ટેકો આપ્યો હતો અને તેના લીધે ભારતીય સેના અને સમગ્ર રાષ્ટ્રને તેના ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવામાં સફળતા મળી હતી તેમ કર્નલશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.
આ સત્ર દરમિયાન આર્મી અને દેશના નાગરિકો વચ્ચે સંવાદનો સેતુ રચાયો હતો જે વાતની આર્મી અધિકારીશ્રીઓએ ખુશી વ્યક્ત કરી હતી. આપણા દેશના યુવાનો સમક્ષ ઓપરેશન સિંદૂરની સફળતાની ગાથા રજૂ કરવી એ ભારતીય સેના દ્વારા લેવામાં આવેલી એક અનોખી પહેલ છે. આઉટરીચ કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા અદાણી કોલેજના ડીન ડૉ. એ.કે. ઘોષે સશસ્ત્ર દળોની પહેલની પ્રશંસા કરી હતી. સમગ્ર સત્રમાં દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.