રાપરની ૧૧ પ્રાથમિક શાળાઓમાં પ્રધાનમંત્રી પોષણ યોજનાના સંચાલકોની જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઈ

       રાપર તાલુકાની પાલનપર પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર ૧૧,  સવલખાવાડી ( કિડીયાનગર)  કેન્દ્ર નંબર ૨૯ અને ખરોડીવાંઢ કેન્દ્ર નંબર ૩૮, ભીમગુડા (ત્રંબો)  કેન્દ્ર નંબર ૨૨૨, પાટીવાડી (ભુટકીયા) કેન્દ્ર નં ૨૩૬, ડેડરવાડી કેન્દ્ર નં ૨૩૭, પાસીયાવાડી કેન્દ્ર નં ૨૪૩, ગડાવાડી કેન્દ્ર નં ૨૬૧, બૈયાવાંઢ ( આડેસર) કેન્દ્ર નં. ૨૬૪, ખારીયાવાંઢ (સઈ) કેન્દ્ર નં. ૨૮૯ તથા કમુઆરાવાંઢ સહિતની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકોની જગ્યા તદ્દન હંગામી ધોરણે ઉચ્ચક માનદ વેતનથી ભરવાની છે. જે માટે રાપર મામલતદાર કચેરીથી અરજી ફોર્મ મેળવીને વિગત ભરીને તા.૨૨ જુલાઈથી ૫ ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે.

જેમાં પ્રધાનમંત્રી પોષણ યોજનાના સંચાલક તરીકેની નિમણૂક માટે જરૂરી શૈક્ષણિક લાયકાત – એસ.એસ.સી પાસ રહેશે તથા જો કોઈ ઉમેદવારનો અભ્યાસ ચાલુમાં હોય તો તેની વિગત પૂરી દર્શાવવાની રહેશે. અરજદારની વય મર્યાદા ૨૦ વર્ષથી ઓછી નહિ અને ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ ભરતીમાં વિધવા, ત્યકતા નિરાધાર સ્ત્રીઓ તેમજ આર્થિક નબળા વ્યક્તિઓ તથા ગરીબી રેખાની નીચે જીવતા લોકોને નિમણૂકમાં અગ્રતા ક્રમ આપવામાં આવશે. સરકારી/અર્ધસરકારી/માનદવેતન મેળવતો અરજદાર નિમણૂક પાત્ર થશે નહિ, આંગણવાડી કાર્યકર, સસ્તા અનાજના દુકાનદાર, રાજકીય હોદો ધરાવનાર અરજદારને નિમણૂક મળવા પાત્ર થશે નહિ. જો કેન્દ્ર અરજદાર સ્થાનિક હોય તો તેના આધાર પુરાવાઓ દાખલો ફરજિયાત પણે રજૂ કરવાનો રહેશે. અરજદારે અરજી ફોર્મમાં ફરજિયાત પાસપોર્ટ સાઈઝનો ફોટો લગાવવાનો રહેશે. આ સાથે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ચુંટણીકાર્ડ, રેશનકાર્ડ, ટી.ડી.ઓ તેમજ મામલતદાર કચેરીનો આવકનો દાખલો, જાતીનો દાખલો તથા આધારકાર્ડની નકલ તેમજ પાસબુકની નકલ, અરજદારના નિરોગી હોવાનું તબીબી અધિકારીશ્રીનું પ્રમાણપત્ર તથા અરજદાર કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી તે અંગે નજીકના પોલીસ મથકનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. ભુલભરેલી અરજીઓને ધ્યાનમાં લેવામાં આવશે નહિ જેની ખાસ નોંધ લેવી.

અરજદાર અન્ય કોઈપણ જગ્યા પર ફરજ બજાવતાં નથી તેમજ અરજી ફોર્મના નમૂના મુજબ કોઈપણ જગ્યાએ ધંધો/વેપાર કરતાં ન હોવા જોઈએ જેમાં વકીલનું સોગંદનામું જોડવાનું રહેશે. અરજીમાં ઉમેદવારે પોતાનો ચાલુ મોબાઇલ નંબર, ઇમેલ એડ્રેસ તથા પુરૂ સરનામુ દર્શાવી અરજી સાથે રજૂ કરવાના જરૂરી આધાર પુરાવામાં શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રની ખરી નકલ આપવાની રહેશે. અરજદારે અરજી ફોર્મ અધિકારીશ્રીની ખરાઈ કર્યા બાદ જ આવક શાખામાં રજૂ કરવું. ખરાઇ કર્યા વગરના ફોર્મ માન્ય ગણાશે નહીં તેમ મામલતદારશ્રી, રાપરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.