મિયાવાકી વન પદ્ધતિના પાઠ શીખવા આંધ્ર પ્રદેશના પાલસમુદ્રમ ગામથી ખાસ કચ્છ આવેલા સરકારી હાઇસ્કુલના 27 ભૂલકાં


કચ્છ નહી દેખા તો કુછ, નહી દેખા ઉક્તિ ખરેખર સાર્થક છે, કચ્છ અમારા માટે બીજા ઘર જેવી અનુભૂતિ સમાન હતું, અહીંના લોકો તથા જિલ્લા વહીવટી તંત્રે અમારા પરિવારના સભ્યોની જેમ અમારી દરકાર કરીને ખૂબ જ પ્રેમથી ત્રણ દિવસ અમારી કાળજી સાથે આતિથ્યભાવમાં અમને ભીંજવ્યા….. આ શબ્દો છે હજારો કિલોમીટર દૂર આંધ્રપ્રદેશના એક નાનકડા ગામથી કચ્છમાં ગ્રીન કમાન્ડોની તાલીમ માટે આવેલા નાના નાના ભૂલકાઓના…. હા, ગ્રીન કમાન્ડો એટલે કે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોના વાવેતરને વધારવા માટે મિયાવાંકી વનપદ્ધતિથી કઈ રીતે વૃક્ષોને ઉછેરીને ઓછા સમયમાં ઘટાદાર જંગલો ઉભા કરી શકાય એના ખાસ પાઠ ભણવા 27 ભૂલકાં કચ્છ આવ્યા છે. એમના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન વિશ્વના સૌથી મોટા મિયાવાંકી વન ધરાવતા એવા કચ્છના ભુજમાં ભુજીયા ડુંગરના જંગલમાં આ બાળકોએ મિયાવાકી પદ્ધતિની તાલીમ મેળવી હતી. મિયાવાકી પદ્ધતિના પાઠ ભણવા આ બાળકોને ભારતના નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામને ખાસ કચ્છ મોકલ્યા હતા.
આંધ્ર પ્રદેશના શ્રી સત્ય સાંઈ જિલ્લાના પાલસમુદ્રમ ગામની ઝેડપી સરકારી હાઇસ્કુલના કુલ 27 બાળકો ભારતના નાણામંત્રીશ્રીના આદેશથી કચ્છ આવ્યા હતા. 24 જુલાઈના રોજ કચ્છ આવેલા આ બાળકોએ 3 દિવસ અહીં રહીને જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લઈને કચ્છની વિરાસત તેમજ કચ્છની સંસ્કૃતિથી પરિચિત થયા હતા. ઉપરાંત ખાસ કરીને પર્યાવરણની જાળવણી માટે ઓછા સમયમાં, ઓછી જગ્યામાં ઝડપી મોટા થતા વૃક્ષોનું વાવેતર કઈ રીતે કરીને ગ્રીન બેલ્ટ વધારી શકાય તે હેતુથી તેમણે ભુજ ખાતેના ભૂજીયાની તળેટીમાં બનાવવામાં આવેલા મિયાવાકી વનની ખાસ મુલાકાત લીધી હતી. અહીં સવાર થી સાંજ સુધી જંગલના ગાઈડ પાસેથી મિયાવાકી પદ્ધતિ મુજબ વૃક્ષોનું વાવેતર અને ઉછેર કઈ રીતે કરી શકાય તે અંગે તાલીમ મેળવી હતી. તેમણે 40 વૃક્ષો મિયાવાકી પદ્ધતિ મુજબ વાવેતર કરીને પ્રેક્ટીકલ પણ કર્યું હતું. આ સાથે સ્મૃતિવન મ્યુઝિયમની મુલાકાત લઈને તેઓ અભિભૂત થયા હતા. ભૂકંપનો અનુભવ મેળવીને તેઓ કચ્છમાં આવેલી આપત્તિ કેટલી ભયાવહ હતી તેનો અહેસાસ કર્યો હતો. તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે માહિતી મેળવી હતી.
ગરીબ– મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા સરકારી હાઇસ્કુલના આ બાળકો કે જેમના માટે પ્લેનમાં બેસવું એક કલ્પના સમાન હોય તે આ તાલીમના અનુસંધાને સાકાર થતાં તેના સુખદ અનુભવ વિશે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, નાણામંત્રીશ્રી તથા શ્રી સત્ય સાંઈ જિલ્લા કલેકટરશ્રી ટી.એસ.ચેતન તેમજ વહીવટી તંત્રના આ આયોજનના કારણે પ્રથમ તો અમારું વિમાનમાં બેસવાનું સપનું સાકાર થયું, ઉપરાંત અત્યાર સુધી સાંભળ્યું હતું કે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા…એ ઉક્તિને પણ અમે ત્રણ દિવસ કચ્છમાં ફરીને નજીકથી અનુભવી. કચ્છ જિલ્લા વહીવટ તંત્ર તથા અહીંના કલેકટરશ્રી આનંદ પટેલની આત્મીયતા પૂર્વક અમારા માટે કરાયેલી તમામ પ્રકારની વ્યવસ્થાએ અમારું દિલ જીતી લીધું છે. અમને એવું લાગ્યું જ નહી કે, અમે અમારા ગામ થી હજારો કિલોમીટર દૂર છીએ, અમને પરિવારના સભ્યોની જેમ જ રાખવામાં આવતા અમારું આ બીજું ઘર હોય તેવો અહેસાસ થયો.
બાળકો સાથે આવેલા શિક્ષકશ્રી સલીમ સૈયદ જણાવ્યું હતું કે, જૂન માસમાં અમારા જિલ્લામાં એક સંસ્થાના કાર્યક્રમમાં ભારતના નાણામંત્રી શ્રી નિર્મલાજી સીતારામન આવ્યા હતા, ત્યાં તેમણે મીયાવાકી પદ્ધતિ મુજબ વૃક્ષારોપણ કર્યું હતું, આ સમયે આમંત્રિત અમારી શાળાના બાળકો સાથે નાણામંત્રીશ્રી એ મિયાવાકી પદ્ધતિથી કઈ રીતે વૃક્ષોનો ઉછેર થાય છે એ અંગે સંવાદ કર્યો હતો, તે બાદ આ પદ્ધતિથી બાળકો અવગત થાય અને તેઓ આ પદ્ધતિ શીખી અને અહીં જિલ્લામાં આ દિશામાં કામ કરે એ માટે તેમણે ખાસ વિશ્વના સૌથી મોટા મિયાવાકી વન કચ્છ ખાતે તેમને આ અંગેની તાલીમ મળે એ માટે તેમણે ખાસ ગુજરાતનો પ્રવાસ ગોઠવવા જિલ્લા વહીવટી તંત્રને જણાવ્યું હતું. જે અંતર્ગત પાંચ શિક્ષક સાથે 15 વિદ્યાર્થી તેમજ 12 વિદ્યાર્થીનીઓ ત્રણ દિવસના કચ્છના પ્રવાસે આવ્યાં હતાં. તેમણે ઉમેર્યું હતું કે, ત્રણ દિવસના પ્રવાસમાં તેમણે, સ્મૃતિ વન ખાતે ભુજીયાના જંગલમાં મિયાવાકી પદ્ધતિની તાલીમ મેળવવા ઉપરાંત, રક્ષક વન, ઓછી જગ્યા હોવા છતાં પણ 10,000 વૃક્ષોથી લહેરાતા વન કવચ, રુદ્ર માતા ડેમની મુલાકાત લઈને પર્યાવરણ જાળવણીના પાઠ ઉપરાંત જળસંચયની વિગતો મેળવી હતી. સાથે જ રોડ ટુ હેવન તેમજ સફેદ રણનો નજારો માણીને બાળકો આનંદિત થઇ ઉઠ્યા હતા. આ ઉપરાંત ભુજોડી ખાતે કચ્છની હસ્તકલા અને સંસ્કૃતિથી તેઓ પરિચિત થયા હતા, તેમજ વંદે માતરમ મેમોરિયલની મુલાકાત લીધી હતી. ધોળાવીરા ખાતે તેઓએ પ્રાચીન સભ્યતા વિશે જાણકારી મેળવી હતી. ઉપરાંત તેઓએ ભુજ ખાતે આઈના મહેલ, પ્રાગમહેલ, સ્વામિનારાયણ મંદિર સહિત અન્ય જોવાલાયક સ્થળો જોઈને કચ્છની સંસ્કૃતિને તેમજ કચ્છની પરંપરાઓને નજીકથી માણી હતી.
શિક્ષકશ્રી સલીમ સૈયદે કચ્છ મુલાકાતના સુખદ અનુભવ વિશે જણાવતા પ્રથમ ગુજરાત સરકાર તેમજ કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલનો આભાર વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે, અમને અમારા રાજ્યથી અન્ય રાજ્યમાં આવડા દૂર આવતા સુખદ મહેમાનગતિ તેમજ આટલો આદર સત્કાર પ્રાપ્ત થશે તેની કલ્પના નહોતી. કચ્છ કલેકટરશ્રી આનંદ પટેલ દ્વારા જે રીતે બાળકોને રહેવા, જમવા તેમજ પ્રવાસ માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે ખૂબ જ કાબીલેદાદ છે. બાળકોને કચ્છના પ્રવાસ દરમિયાન ક્યાંય પણ કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે દરેક જગ્યાએ અમારા માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ અહીંની ગરમી અને બદલાતા વાતાવરણમાં બાળકોને કોઈ મુશ્કેલી ના આવે એના માટે બસમાં સતત આરોગ્ય કર્મચારીઓ પણ અમારી સાથે રાખવામાં આવ્યા હતા. જેઓ બાળકોને સતત ORS આપવા સાથે તેમનું સતત ધ્યાન રાખતા હતા. જિલ્લા આયોજન અધિકારીશ્રી જિતેન્દ્ર.રાવલ ત્રણ દિવસ અમારી સાથે જ રહ્યા હતા, તેમણે અમારી સાથે રહીને બાળકોને કચ્છનો પ્રવાસ સાથે અહીંની સંસ્કૃતિથી બાળકોને પહેચાન કરાવી હતી. અહીં આવીને બાળકો ખૂબ જ ખુશ અને આનંદિત થયા છે. અહીંના વહીવટ તંત્રના અધિકારીશ્રીઓએ અમારા બાળકોને પોતાના બાળકોની જેમ સાચવ્યા હતા. આવી મહેમાનગતિ અમે તેમજ અમારા બાળકો ક્યારે પણ નહીં ભૂલે. અમે સદાય કચ્છને દિલમાં રાખશું.
જિજ્ઞા વરસાણી