ભુજ લશ્કરી સ્ટેશન ખાતે ૨૬માં કારગિલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે પુષ્પાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું


ભુજ લશ્કરી સ્ટેશન ખાતે બાલ્ડ ઇગલ બ્રિગેડ દ્વારા કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતના વિજયના ૨૬ વર્ષ નિમિત્તે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને “શ્રદ્ધાંજલિ પાર્ક” ખાતે પુષ્પાંજલિ સમારોહમાં બાલ્ડ ઇગલ બ્રિગેડના કમાન્ડર બ્રિગેડિયર શ્રી નીરજ ખજુરિયાએ બ્રિગેડના તમામ રેન્ક વતી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. નિવૃત્ત સૈનિકોએ પણ પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત, આ કાર્યક્રમમાં વીરાંગના મહિલાઓ અને એનસીસી કેડેટ્સ પણ હાજર રહ્યા હતા. સમારોહના અંતે, નિવૃત્ત સૈનિકો અને સૈન્ય અધિકારીઓએ દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને પ્રોત્સાહન આપતી બહાદુરી અને હિંમત દર્શાવતી પ્રેરણાદાયી વાર્તાઓ અંગે વિધાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. કારગિલ વિજય દિવસના ભાગ રૂપે, બ્રિગેડે ભુજના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે શસ્ત્ર પ્રદર્શનનું પણ આયોજન કર્યું હતું, જ્યાં વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક શસ્ત્રો અને સાધનો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જેમાં ભારતીય સશસ્ત્ર દળોની ક્ષમતાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમ રાષ્ટ્રની સાર્વભૌમત્વની રક્ષા માટે સૈનિકો દ્વારા આપવામાં આવેલા બલિદાનની યાદ અપાવે છે અને ભારતીય સેનાની ફરજ અને સન્માનની ભાવનાને દૃઢ કરે છે.