કારગિલ યુદ્ધના પ્રત્યક્ષ યોધ્ધાની ઉપસ્થિતિમાં સુખપર ગામે ઉજવ્યો કારગિલ વિજય દિવસ ઉત્સવ

copy image

પ્રતિ તંત્રીશ્રી
કારગિલ વિજય દિવસનો સચિત્ર અહેવાલ પ્રકાશિત કરવા વિષયે
કારગિલ યુદ્ધના પ્રત્યક્ષ યોધ્ધાની ઉપસ્થિતિમાં સુખપર ગામે ઉજવ્યો કારગિલ વિજય દિવસ ઉત્સવ
સીમા જાગરણ મંચ-કચ્છ અને કારગિલ વિજય ઉત્સવ સમિતિ- સુખપરના સંયુક્ત ઉપક્રમે થયું આયોજન
સુખપર તા. ભુજ, તા. ૨૭-૭-૨૫
જે તે સમયે યુધ્ધ જેવી નાજુક પરિસ્થિતિમાં ગામના લોકોએ દેશ રક્ષા કાજે કરેલ સાહસ અને પરાક્રમની વાતો નવી પેઢી સુધી પહોંચે અને એમને પણ વર્તમાન સમયમાં દેશ માટે કંઈપણ કરી છૂટવાની પ્રેરણા જાગે તે હેતુથી કારગિલ વિજયની ૨૭મી વર્ષગાંઠ નિમિત્તે સુખપરમાં આયોજિત ભવ્ય ‘કારગિલ વિજય ઉત્સવ’ માં સમગ્ર ગામ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
૧૯૯૯ના યુદ્ધમાં પ્રત્યક્ષ ભાગ લેનાર અને પોતાની ટુકડીનું નેતૃત્વ કરી આગળ વધતાં દુશ્મનો દ્વારા બિછાવેલ માઈન્સના વિસ્ફોટથી માત્ર ૨૯ વર્ષે પોતાનો એક પગ ગુમાવવા છતાં હાલમાં ભુજનાં BSF મુખ્યાલય ખાતે કમાન્ડન્ટ તરીકે સક્રિય ભૂમિકા નિભાવતા અધિકારી સુરિન્દરસિંઘજી કાર્યક્રમના મુખ્ય મહેમાન હોવા ઉપરાંત કારગિલ સમયે કચ્છ સરહદે પાણીની પાઇપલાઇન પાથરવાના પડકારરૂપ કામ માટે પોતાના ટિફિન લઈને ભારતીય કિસાન અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અપીલને સ્વીકારીને નિકળી પડેલા સુખપરનાં ૧૮૦ થી વધુ ભાઈઓ બહેનોની મહત્વની ભૂમિકાને લઈને સમગ્ર ગામમાં ભારે ઉત્સાહ હતો. પોતાની સાથે 30 જેટલા મહિલા અને પુરૂષ જવાનો સાથે સુખપર પધારેલ યોધ્ધા શ્રી માન સુરિન્દરસિંઘજીનું સુખપરના નર-નારાયણ યુવતી મંડળના બહેનોની બેન્ડ પાર્ટી સાથે કેસરી અને તિરંગા સાડીમાં સજ્જ બહેનો અને મોટી સંખ્યામાં એકત્ર થયેલ ગ્રામજનો દ્વારા ગામના બે મંદિરોમાં દર્શન, આરતી સાથે થયેલ સ્વાગત, સામૈયાંથી ભાવવિભોર થયેલ આ અધિકારીએ જે તે સમયે કારગિલની દુર્ગમ ચોટીઓમાં થયેલ સમરાંગણમાં પોતાને થયેલ અનુભવોની વાત વર્ણવી હતી અને સેના પ્રત્યેના સુખપરના ગ્રામજનોના પ્રેમ અને લાગણીને સહ્રદય વધાવી હતી.
શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુજના શ્રી લક્ષ્મણપ્રકાશ સ્વામીએ કહ્યું કે યુદ્ધ ૧૯૭૧નું હોય કે કારગિલનું. ભુજ મંદિર દેશની સેનાને સહયોગ કરવામાં હંમેશાં તત્પર રહ્યું છે. ઉપસ્થિત સૌને ભારપૂર્વક જણાવતાં કહ્યું કે હવેનાં માતા પિતાના માત્ર એક કે બે બાળક હોવાને કારણે સંતાનોને સેનામાં ભરતી કરવાની ઘટતી માનસિકતા દેશ માટે બહુ જ નુકસાનકારક છે અને તેના વીશે જાગૃત થવું અતિ જરૂરી છે.
મુખ્ય વક્તા તરીકે સીમા જાગરણ મંચ- ગુજરાતના અધ્યક્ષ જેન્તીભાઈ ભાડેસીયા (મોરબી) જણાવ્યું હતું કે યુધ્ધ જેવા કપરા સંજોગોમાં કચ્છ જેવા સરહદી અને સંવેદનશીલ વિસ્તારમાં સેનાને અને સ્થાનિક પ્રશાસનને દરેક પ્રકારનો સહયોગ કરવા પ્રજા ઉપરાંત વર્તમાનપત્રો સહિતના દરેક સમાચાર માધ્યમોની ભુમિકા બહુ મહત્વની હોય છે અને કચ્છના સમાચાર માધ્યમોએ એ ભુમિકાને બહુ જ સારી રીતે નિભાવી છે. મંચસ્થમાં વરિષ્ઠ સંત શ્રી હરિબળદાસજી સાથે ભુજના અધિવક્તા અને સામાજિક કાર્યકર પ્રવિર ધોળકીયા કે જેઓની પ્રેરણા અને પ્રશિક્ષણથી NSG, BSF, CRPF સહિતના લશ્કરી દળોમાં અત્યાર સુધી ૨૭૦ ભાઈઓ બહેનો જોડાઈને પોતાની સેવા આપી રહ્યા છે તેનું અને સીમા જાગરણ મંચના જિલ્લા સહ સંયોજક
અને પૂર્વ સુબેદાર પ્રદીપ જોશીનું કારગિલ યુદ્ધમાં યોગદાન બદલ સન્માન કરવામાં આવેલ હતું. વર્તમાનમાં સંઘના પ્રાંત સેવા પ્રમુખ અને યુધ્ધ સમયે પ્રત્યક્ષ પાઈપલાઈન પાથરવામાં અને ગામ લોકોને સરહદ ઉપર લઈ જવા માટે તૈયાર કરવાની મહત્વની ભૂમિકા નિભાવનાર નારાણભાઈ વેલાણીએ સરહદ પર કિસાન સંઘ સાથે કામ કરવામાં સુખપર ગામનું જોડાણ કઈ રીતે થયું તેની માહિતી આપી હતી. કુશળ સભા સંચાલન શાસ્ત્રી શ્રી કપિલમુનીદાસજી સ્વામીએ કરેલ
ઉત્સવ સમિતિ દ્વારા સુરિન્દ રસિંધજી સહિત સૌ મંચસ્થોનું પ્રશસ્તિ પત્ર અને ભારતમાતાની છબી તથા આયોજન માટે BSF સાથે સંકલન કરનાર સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્રના સંયોજક હિંમતસિંહજી વસણ અને તેમની સમગ્ર ટીમ દ્વારા પણ સૌ અધિકારીઓનું અને સુખપરથી સેનામાં જોડાઈને દેશ સેવા કરવા માટેના સૌ પ્રથમ સફળ પ્રયાસ તરીકે અત્યારે હૈદરાબાદ ખાતે સઘન પ્રશિક્ષણ માટે ગયેલ ગામના ખેડૂત પરિવારની દીકરી સુમિતા નવીનભાઈ ભુડીયા વતી તેમનાં માતા મંજુબેન અને દાદી સતીબાઈનું મહિલા જવાનો અને સાંખ્યયોગી બહેનોના હાથે વિશેષ સન્માન કરાયું હતું. તો બી.એસ.એફ. તરફથી સૌ કાર્યકર
ભાઈઓ બહેનોને સ્મૃતિ ભેટ રૂપે એક એક વૃક્ષના રોપા આપી તેને કારગિલ યુદ્ધના વીરોની સ્મૃતિમાં
ઉછેરવાનો સંકલ્પ લેવા આહવાન કરવામાં આવ્યુ હતું.
આયોજનના સંકલનકર્તા ધનસુખ વાઘાણી દ્વારા કાર્યક્રમ સ્થળ માટે નિઃશુલ્ક સમાજવાડીનો સહયોગ કરનાર સુખપર મંદિરના ટ્રસ્ટીઓ, મદનપુર અને નરનારાયણ નગરના સૌ સાંખ્યયોગી બહેનો, આર્થિક સહયોગ કરનાર સૌ દાતાઓ, ગામની વિવિધ સંસ્થાઓ, યુવક અને યુવતી મંડળો સહિત સૌનો આભાર વ્યક્ત કરાયો હતો.
રામજી વેલાણી
સુખપર તા. ભુજ
૯૪૨૮૨ ૩૪૩૬૫