વીરાગામમાં વિરાટ સૌંદર્ય ખીલવવા અદાણી .ફાઉ નું અનોખુ અભિયાન


અદાણી ફાઉન્ડેશન અને ટુના પોર્ટના સંયુક્ત ઉપક્રમે અંજાર તાલુકાના વીરાગામને
પર્યટન સ્થળ તરીકે વિકસાવવા અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજી મંદિર
પરિસરને પ્રકૃતિક સૌંદર્ય આચ્છાદિત કરવા વૃક્ષારોપણ અભિયાનનો મંગળવારથી મંગળપ્રારંભ કરવામાં
આવ્યો છે. આ પહેલ અંતર્ગત 5100+ વૃક્ષારોપણ થકી વીરાનો કાયાકલ્પ કરવામાં આવશે.
વીરાગામનું હરસિદ્ધિ માતાનું મંદિર વર્ષોથી હજારો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. દરવર્ષે અસંખ્ય શ્રદ્ધાળુઓ
માતાજીના દર્શનાર્થે આવે છે. વિશાળ તળાવ અને હરિયાળીથી ઘેરાયેલા મંદિર પરિસરને પર્યટન સ્થળ
તરીકે વિસસાવવા અદાણી ફાઉન્ડેશને ખાસ પહેલ આદરી છે. વીરા ગ્રામ પંચાયત સાથે મળીને આ
વિસ્તારને હરિયાળો બનાવવા બહોળા વૃક્ષારોપણનો સંકલ્પ કર્યો છે.
વિવિધ પ્રકારના 5100+ વૃક્ષો વીરાના કુદરતી સૌંદર્યમાં ચાર ચાંદ લગાવશે અને પર્યાવરણમાં નવો પ્રાણ
ફૂંકશે. વૃક્ષોના ઝડપી ઉછેર માટે ટપક સિંચાઈ અને જાપાનની વિખ્યાત મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ
કરવામાં આવ્યો છે. ફળાઉ અને આયુર્વેદિક વૃક્ષો માનવ સાથે પશુ-પક્ષીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે.
વાવેલા વૃક્ષોનું સંરક્ષણ અને માવજત માટે તારની વાડ બનાવવામાં આવી છે.
આ પ્રસંગે આયોજીત ખાસ કાર્યક્રમમાં આસપાસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વીરાના સરપંચ
મહેશભાઈ આહીરે ઉત્સાહપૂર્વક જણાવ્યું હતું કે,”આધ્યાત્મિક સ્થળે વૃક્ષારોપણ કરવાથી એક અનોખુ સૌંદર્ય
અને રમણીય વાતાવરણ ઉભુ થશે. આ પહેલ પર્યાવરણની જાળવણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, ગ્રામજનો
તેમાં સંપૂર્ણ સહયોગ કરશે.” આ પરિસર લીલુછમ જંગલ બનતા જ પક્ષીઓના કિલકિલાટથી ગુંજી ઉઠશે
અને સ્થાનિક ઇકોસિસ્ટમને લાભ થશે.
અદાણી ફાઉન્ડેશનના પંકતિબેન શાહે જણાવ્યુ હતુ કે, “અહીં લોકમેળાઓ યોજાય છે, પરંતુ ગાઢ જંગલ
બન્યા પછી, હવે પક્ષીમેળાઓ યોજાશે, કારણ કે જંગલમાં તમામ પ્રકારના વૃક્ષો છે જેમાં તેમને ખોરાક અને
આશ્રયસ્થાન ઉપલબ્ધ થશે.” વળી જૈવ વિવિધતાનો પણ વિકાસ થશે.
અદાણી તુણા પોર્ટના સીઓઓ વિવેક સીંગે પહેલના વ્યાપક વિઝન પર ભાર મૂકતા જણાવ્યુ હતું કે, “અમારા
ચેરમેનનું વિઝન ભારતની ભૂમિ પર 1૦ કરોડ વૃક્ષો વાવવાનું છે. આગામી વર્ષોમાં અમે વધુને વધુ વૃક્ષો
વાવીશું અને સંયુક્ત પ્રયાસો દ્વારા કચ્છની ભૂમિને હરિયાળી બનાવીશું.”
હરિત પર્યાવરણની એક પહેલ પ્રોજેકટ અંતર્ગત અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છના વિવિધ વિસ્તારોમાં પ્રગાઢ
વનીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં વૃક્ષોનું માત્ર વાવેતર જ નહીં પણ ઉછેર અને માવજત પણ
કરવામાં આવે છે. અગાઉ મુંદ્રાના વિરણીયા ખાતે લગભગ 4૦ પ્રકારના પાંચ હજાર સ્વદેશી ફળ, ફૂલ અને
ઔષધીય છોડ રોપવામાં આવ્યા હતા.