કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ભુજ ખાતે અનુસૂચિત જાતિ પેટા યોજનાની સમીક્ષા બેઠક યોજાઇ

copy image

કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને આજરોજ ભુજ કલેકટર કચેરી ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણ માટેની અનુસૂચિત જાતિ પેટા યોજના અમલીકરણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઇ હતી.
બેઠકમાં અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ થયેલા ખર્ચની સમીક્ષા તથા વિવિધ યોજના હેઠળ લાભાન્વિત લાભાર્થીઓનું સહવર્તી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા માટેની રૂ.૫૭૭૩.૮૧ લાખની જોગવાઇ સામે રૂ.૪૦૭૩.૬૯ લાખની ગ્રાન્ટમાંથી જૂન-૨૦૨૫ અંતિત સુધીમાં રૂ.૨૯૭૯.૦૮ લાખનો ખર્ચ થયો હોવાની માહિતી બેઠકમાં રજૂ કરાઇ હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, કુટીર ઉદ્યોગ, ખેતીવાડી, બાગાયત, પશુપાલન વિભાગ, સિંચાઇ શાખા, પોષણ કાર્યક્રમ સહિતના વિવિધ અમલીકરણ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ તકે કલેકટરશ્રી આનંદ પટેલે તમામ અમલીકરણ અધિકારીશ્રીઓને અધ્યક્ષસ્થાનેથી ફાળવાયેલી રકમ અનુસૂચિત જાતિના લાભાર્થીઓ પાછળ જ થાય તેની પુરતી કાળજી રાખવા સૂચના આપી હતી.
બેઠકમાં ધારાસભ્યોશ્રી તથા સમિતિના સભ્યોએ યોજનાકીય લાભો ઝડપથી મળે તે માટે રજૂઆત કરી હતી. આજની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલ, શ્રી ત્રિકમભાઇ છાંગા, શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, સભ્યશ્રી સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી કુંવરબેન મહેશ્વરી, શ્રી રામજીભાઇ ધેડા, શ્રી રમેશભાઇ મહેશ્વરી, શ્રી ગોવિંદભાઇ મારવાડા, શ્રી સામજી વાણીયા, પશ્ચિમ કચ્છ એસ.પીશ્રી વિકાસ સુંડા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીના નાયબ નિયામકશ્રી વિનોદ રોહિત તથા અન્ય અમલીકરણ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.