પરંપરાગત દેશી પીણાં જેવા કે લીંબુ-મધનું પાણી, જીરું પાણી કે હળદરવાળું દૂધ પીવાથી ચરબી ઘટાડવામાં મદદ મળે છે
ગુજરાત સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન શરૂ કર્યું છે, જેનો હેતુ રાજ્યના નાગરિકોને મેદસ્વિતા (ઓબેસિટી) જેવી વૈશ્વિક સમસ્યા સામે જાગૃત કરવો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરવાનો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા મેદસ્વિતાને ગંભીર રોગ તરીકે ગણાવવામાં આવી છે, જે ડાયાબિટીસ, હૃદયરોગ, બ્લડ પ્રેશર અને માનસિક તણાવ જેવી સમસ્યાઓને આમંત્રણ આપે છે. આ અભિયાન અંતર્ગત ગુજરાતના દરેક નાગરિકને સ્વસ્થ આદતો અપનાવવા અને શારીરિક સક્રિયતા વધારવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે.
ચોમાસામાં ઉપવાસના ફાયદા અનેક છે. આ ઋતુમાં પાચનતંત્ર નબળું હોવાથી ઉપવાસ શરીરને ડિટોક્સ કરે છે અને આંતરડાને આરામ આપે છે. ચોમાસાની ઋતુમાં,જ્યારે શારીરિક પ્રવૃત્તિઓ ઘટે છે અને ખોરાકનું પાચન ધીમું પડે છે, ત્યારે ઉપવાસ એ મેદસ્વિતા ઘટાડવાનો એક અસરકારક ઉપાય બની શકે છે. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, જેમાં નિર્ધારિત સમય સુધી ઉપવાસ રાખીને પછી પોષક આહાર લેવામાં આવે છે, તે ખાસ કરીને ફાયદાકારક છે. ઉદાહરણ તરીકે, ૨૪ કલાકમાં ૧૨, ૧૪ કે ૧૬ કલાક ઉપવાસ રાખીને રાત્રે જમ્યા બાદ બપોરે જમવું એ શરીરમાં ચરબી ઘટાડવામાં મદદ કરે છે. આ પદ્ધતિ શરીરના મેટાબોલિઝમને સુધારે છે આ ઉપરાંત, પરંપરાગત દેશી પીણાં જેવા કે લીંબુ-મધનું પાણી, જીરું પાણી કે હળદરવાળું દૂધ પીવાથી ચરબી ઘટાડવામાં મદદ મળે છે. આ પીણાં ચયાપચય (મેટાબોલિઝમ) વધારે છે અને શરીરમાં એન્ટીઓક્સિડન્ટ્સનું પ્રમાણ વધારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે.
આ અભિયાનમાં જનભાગીદારી મહત્વની છે. ગુજરાતના નાગરિકોને નાની-નાની આદતો જેવી કે લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ, નિયમિત યોગ-વ્યાયામ અને સંતુલિત આહાર અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ચોમાસામાં ઉપવાસ અને પરંપરાગત આહારની આદતો અપનાવીને મેદસ્વિતાથી છુટકારો મેળવી શકાય છે.