ગુજરાત પોલીસના સમર્થનમાં કચ્છમાં આક્રોશ રેલી…

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના રાજીનામાની માંગ સાથે કચ્છ કલેક્ટરને આવેદન અપાયું…

સમર્થનકારી લોકોએ કહ્યું છે, પોલીસ કર્મચારીઓનું અપમાન એ ક્યારે પણ સહન નહીં કરાય…

કોઈ એકલ દોકલ પોલીસ કર્મચારીના કારણે તમે સમગ્ર ગુજરાત પોલીસ સામે અપશબ્દો બોલો છે જેના કારણે પોલીસનું મનોબળ તૂટી જયા છે…

રેલીમાં વ્યથા ઠાલવતા લોકોએ જીગ્નેશ મેવાણી હાય હાયના સૂત્રોચાર સાથે પદ પરથી રાજીનામું આપે તેવી માંગ કરી છે…

ગુજરાત પોલીસ સહિત કચ્છ જિલ્લાના પોલીસ પરિવારોએ આજે વ્યથા ઠાલવી હતી. ધારાસભ્ય દ્વારા બોલાવાયેલા અભદ્ર શબ્દોના વિરોધમાં આજે ભુજ ખાતે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન પોલીસ પરિવારના પ્રતિનિધિઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરુદ્ધ સખત કાર્યવાહી તેમજ તેમના રાજીનામાની માંગ ઉઠાવી હતી.

આવેદનમાં જણાવાયા મુજબ, થોડા દિવસો પહેલાં વડગામ વિસ્તારમાં જાહેર રજુઆતો દરમિયાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સામે અણછાજતું વર્તન કર્યુ હતું. તેમના દ્વારા વારંવાર તોછડી અને અમર્યાદિત ભાષા અને એક ચૂંટાયેલા પ્રતિનિધિનો શોભે નહીં તેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે પોલીસ વિભાગનો માનસિક મનોબળ ઘટે છે અને સમગ્ર પોલીસ પરિવારમાં અસંતોષ ફેલાયો છે.

પોલીસ પરિવાર તરફથી રજૂ કરાયેલા આવેદનમાં જણાવાયું કે, ગુજરાત પોલીસ દિવસ-રાતની પરવા વગર, તહેવારો જાહેર કાર્યક્રમોથી દૂર રહીને પ્રજાની સુરક્ષા માટે સતત ફરજ બજાવે છે. કોવિડ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ પોલીસ કર્મચારીઓએ પોતાના પરિવારથી દૂર રહી જનસેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઘણા પોલીસકર્મીઓએ તો પ્રાણ પણ ગુમાવ્યા હતા. પોલીસ પરિવારનું કહેવું છે કે, રાજ્યની પોલીસ એવી મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરતી હોવા છતાં, જનપ્રતિનિધી દ્વારા વારંવાર થતા અપમાનજનક વર્તનથી તેમના જ નહીં પરંતુ સમગ્ર પોલીસ પરિવારના લાગણીને ઠેસ પહોંચે છે. આ કારણે પોલીસ પરિવારે માંગ કરી છે કે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પોલીસ વિભાગ સામે થયેલા અપમાન માટે જાહેરમાં માફી માગે અને પોતાના પદ પરથી રાજીનામું આપે. આ આવેદનપત્ર પર 70થી વધુ પોલીસ પરિવારના સભ્યોની સહીઓ લેવામાં આવી હતી, અને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓના શુભચિંતકો પણ રેલીમાં જોડાયા હતા. પોલીસ પરિવારના કહેવા મુજબ, આ રેલીનો ઉદ્દેશ માત્ર ન્યાયની માંગ અને પોલીસની પ્રતિષ્ઠા જાળવવાનો છે.