મુંદરા પોર્ટમાં રેલવે મારફતે દારૂની દાણચોરીનો પર્દાફાશ

જેલમાં બેઠા બેઠા મજબૂત નેટવર્ક ધરાવતા બુટલેગર અનોપસિંહના નેટવર્ક વધુ મજબૂત બને તે પહેલાં ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સીલ દ્વારા તોડી પડાયો…
બે કન્ટેનરમાંથી 2.97 કરોડનો શરાબ સ્ટેટ મોનીટરીંગ સીલ ટીમ દ્વારા ઝડપી પડાયો…
કચ્છ જિલ્લામાં દારૂની દાણચોરીની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. રાજ્ય સ્તરની પોલીસ ટુકડી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ મુંદરા પોર્ટ રેલવે સ્ટેશનના યાર્ડમાં બે દિવસ સુધી ધામા નાખી રેલવે મારફતે ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો ભાંડો ફોડ્યો છે. બે કન્ટેનરમાંથી કુલ રૂપિયા ૨.૯૭ કરોડનો વિદેશી દારૂ ઝડપાયો છે. પહેલા દરોડામાં RJ 04 GB 1918 નંબરની ટ્રેઈલર સાથે આવેલા બે શખ્સ જોગારામ અને ભજનારામની ધરપકડ કરવામાં આવી છે. કન્ટેનર ખોલતાં અંદરથી ૧૧,૭૩૧ બોટલ દારૂ મળી આવતાં પોલીસ પણ ચકિત રહી ગઈ હતી. આ માલ કુખ્યાત બુટલેગર કેરાનો અનોપસિંહ અભેસિંહ રાઠોડનો હોવાનું સામે આવ્યું છે. ખાસ વાત એ છે કે અનોપસિંહ હાલ જેલમાં હોવા છતાં જેલમાં બેઠા બેઠા પોતાનું નેટવર્ક બહાર પણ મજબૂત બનાવી લીધું છે.
SMC દ્વારા મુંદરા પોર્ટની પ્રિસ્ટાઈન મેગા લોજિસ્ટિક કંપનીમાંથી પૂછપરછ કરવામાં આવી ત્યારે ચોંકાવનારી માહિતી મળી આવી હતી. પંજાબની બાલાજી ટ્રેડિંગ કંપનીના નામે પંજાબથી રેલવે મારફતે મોકલાયેલા કન્ટેનર મુંદરા પહોંચતાં એની બિલ્ટી સુરતની કંપની વાઇસરોય ઇમ્પેક્સના નામે બનાવી દારૂ સુરત મોકલાતો હતો. છેલ્લા ત્રણ મહિનામાં આ રીતે ૧૦ કન્ટેનર મુંદરા પોર્ટ પર આવ્યા હોવાનું બહાર આવ્યું છે. બીજા કન્ટેનરમાં તપાસ કરતાં ૧૨,૬૦૦ બોટલ, કુલ રૂપિયા ૧.૪૩ કરોડનો દારૂ મળ્યો છે. આ કન્ટેનર મોકલનાર પંજાબના સુખદેવસિંહ તથા ગુજરાતમાં મંગાવનાર અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ થયો છે. અનોપસિંહ રાઠોડ ઉપર અગાઉ પણ દારૂના અનેક ગુના નોંધાયેલા છે. થોડા મહિનાં પહેલાં ગ્રામ પંચાયતની બેઠક દરમિયાન તે ઝડપાયો હતો અને તેના પાસેથી ૧.૨૮ કરોડનો દારૂ મળી આવ્યો હતો. હાલ તે જેલમાંથી દારૂનો ધંધો ચલાવતો હોવાના પુરાવા મળતા કચ્છ પોલીસ અને SMC પોલીસ ટીમ સમગ્ર નેટવર્કને ભેદવા માટે વધુ તપાસ હાથ ધરી છે.