હભુજમાં ગીતા જયંતી મહોત્સવ 2025ની ધામધૂમભરી શરૂઆત… શોભાયાત્રાથી શહેરમાં ઉલ્લાસનો માહોલ સર્જાયો…

ભુજમાં ગીતા જયંતી મહોત્સવ 2025ની ભવ્ય ઉજવણીની શરૂઆત શોભાયાત્રાથી થઈ હતી. રામધુન મંદિરથી ટાઉન હોલ સુધી ભક્તો ગીતા ગ્રંથને મસ્તક પર ધારણ કરી વાજતે ગાજતે શોભાયાત્રા સાથે આગળ વધ્યા હતા. સનાતન હિન્દુ સમાજના વિવિધ સમાજોના ભાવિકોની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી. અખિલ કચ્છ સમસ્ત હિંદુ પરિવાર અને આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજ દ્વારા આયોજિત આ મહોત્સવ 1 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર સુધી ઉજવાશે. મુખ્ય કાર્યક્રમ રૂપે ગીતા જ્ઞાનયજ્ઞ રાખવામાં આવ્યો છે, જેમાં સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી દર સાંજે 6, 30 થી 8 વાગ્યા સુધી સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો વિષય પર જ્ઞાનવર્ષા વરસાવશે. આજે ગીતા ગ્રંથયાત્રા યોજાઈ હતી અને 1 ડિસેમ્બરે શ્રીમદ ભગવદ્ગીતાના 18 અધ્યાયોના સમૂહ પારાયણનું આયોજન છે. સમાજ જાગૃતિ અને સંસ્કૃતિને સ્પર્શતા અનેક કાર્યક્રમો મહોત્સવ દરમિયાન યોજાશે. 2 ડિસેમ્બરે ડૉ. શરદ ઠાકર “What can I do for my Country” વિષય પર માર્ગદર્શન આપશે, જ્યારે 3 ડિસેમ્બરે યોગ બોર્ડના ચેરમેન શીશપાલજી યોગ સંવાદ રજૂ કરશે. 4 ડિસેમ્બરે ડૉ. જગદીશ ત્રિવેદી માનવીય સંબંધોની મર્યાદાઓ વિષે વક્તવ્ય આપશે. 5 ડિસેમ્બરે યેશા વત્સલ ઠક્કર દ્વારા ‘સમુદ્ર મંથન’ નૃત્ય નાટિકા પ્રસ્તુત થશે. 6 ડિસેમ્બરે સંગીતમય સુંદરકાંડનું આયોજન તથા 7 ડિસેમ્બરે પ્રેક્ટિકલ ધ્યાનનું વિશેષ સત્ર યોજાશે. તમામ કાર્યક્રમો ટાઉન હોલ ખાતે નિઃશુલ્ક રહેશે. મહોત્સવ દરમ્યાન દરરોજ ભોજન મહાપ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. ભુજ શહેરમાં આ ધાર્મિક મહોત્સવ પ્રત્યે ઉત્સાહ છવાયો છે અને જ્ઞાન, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાથી ભરપૂર આ કાર્યક્રમો શહેરને પાવન વાતાવરણથી સારી રીતે ઉજળા બનાવશે એવી આશા વ્યક્ત થઈ રહી છે.