સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઈસ્કૂલ, નિરોણા મધ્યે વિદ્યાર્થીઓ દ્વારા માનસિક આરોગ્ય જાગૃતિ અંગે નાટક ભજવાયુ…

સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણા મધ્યે ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓએ માનસિક આરોગ્ય અંગે લોકજાગૃતિ લાવવા અનોખું અને સામાજિક રીતે મહત્વનું નાટક રજૂ કર્યું હતું. મનોવિજ્ઞાનના શિક્ષિકા અલ્પાબેન ગોસ્વામીના નવતર વિચાર પરથી તૈયાર કરાયેલા આ નાટકનું પ્રસ્તુતિ છ અંકોમાં વિભાજીત કરવામાં આવી હતી, જેમાં ઓટીઝમ, સ્પેસિફિક ફોબિયા, OCD, ADHD, જેવી વિવિધ મનોવિકૃતિઓને જીવંત રીતે રજૂ કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓએ દરેક વિકૃતિના લક્ષણો તેમજ તેના ઉપચાર અંગે મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સકની યોગ્ય સલાહને સરળ ભાષામાં સમજાવી હતી. ખાસ કરીને માનસિક બીમારીઓને લઈ સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધા, તાંત્રિક-ભુવા જેવા ખોટા ઉપાયો સામે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને લોકો કેવી રીતે યોગ્ય સમયસર મનોચિકિત્સકનો સંપર્ક કરવાથી સકારાત્મક પરિણામ મેળવી શકે તે સહિતનો સંદેશ પ્રેક્ષકો સુધી પહોંચાડાયો હતો.
નાટકનું આયોજન આચાર્યશ્રી ડૉ. વિષ્ણુભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ સ્ટાફ સભ્યોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વિદ્યાર્થીઓની અભિનય ક્ષમતા, શિક્ષિકાની સર્જનાત્મક કલ્પના અને સ્ટાફનો સહકાર—આ ત્રણે સાથે મળીને નાટકને અત્યંત અસરકારક અને પ્રેરણાદાયી બનાવેલ હતુ.