માંડવી ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા  કિશોરી મેળો યોજાયો

માંડવી ખાતે જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભુજ,કચ્છ દ્વારા ભારત સરકારની “બેટી બચાવો બેટી પઢાઓ” યોજના અંતર્ગત ત્રણ ટુકર કન્યા વિદ્યાલય, કિશોરીઓના આરોગ્ય, સુરક્ષા, સ્વચ્છતા અને સશક્તિકરણ તથા મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અંગે કિશોરી મેળો અને હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયતના પ્રમુખશ્રી શિલ્પાબેન ગોરના અધ્યક્ષ સ્થાને કિશોરી મેળો યોજાયો હતો જેમાં ૨૪૪ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કિશોરીઓનું હિમોગ્લોબીન ટેસ્ટ કરવામાં આવ્યું હતું તેમજ હાઈજીન કિટ અને યોજનાકીય પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં પ્રમુખશ્રી શિલ્પાબેન ગોરે દીકરીઓને પોતાની પસંદગીના ક્ષેત્રોમાં આગળ વધવા માટે પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન દવે દ્વારા સમકારાત્મક અભિગમ સાથે જીવન જીવવાની પ્રેરણા આપવામાં આવી હતી. DHEWના ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટરશ્રી ફોરમબેન વ્યાસે વિભાગીય યોજનાઓ વિશે કિશોરીઓને માહિતગાર કર્યા હતા. ડો. તુષાર દ્વારા કિશોરીઓને હાઈજીન વિશે માહિતી આપવામાં આવી હતી. મુખ્ય સેવિકાશ્રી પ્રજ્ઞાબેને પોષણ અને આરોગ્ય અંગે માહિતગાર કર્યા હતા. 181 અભયમના કાઉન્સેલરશ્રી પ્રવીણાબેને 181 અભયમ મહિલા હેલ્પલાઇન તથા 112 જનરક્ષક સેવા વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

 આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન દવે, DHEWના ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટરશ્રી ફોરમબેન વ્યાસ, 181 મહિલા અભયમના કાઉન્સેલરશ્રી પ્રવીણાબેન, મુખ્ય સેવિકાશ્રી પ્રજ્ઞાબેન, આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર શ્રી ડો. તુષાર, શાળાના આચાર્યશ્રી તૃપ્તિબેન પંડ્યા, ટ્રસ્ટીશ્રી ભાવનાબેન સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.