સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની થઈ અટક : ઇડીએ રેડ દરમ્યાન અનેક દસ્તાવેજી પુરાવા, રોકડ અને સોનાની તપાસ સહિત મહત્વપૂર્ણ માહિતી કરી કબ્જે
copy image

સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ થઈ હોવાનો મામલો સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગત દિવસે સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને ઈડીએ રેડ પાડી હતી. જે બાદ આજે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હાથ ધરવામાં આવેલ કાર્યવાહીના અંતે મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરાઈ છે. જેમને ઈડીની ટીમ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સ્થિત વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા છે. ત્યારે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે આ સમગ્ર મામલા અંગે વધુ પૂછપરછ અને પુરાવાઓ એકત્ર કરવા માટે ઈડી દ્વારા કોર્ટ પાસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરશે. ગત દિવસે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થળે વહેલી સવારથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટની રેડ પાડી હતી. અધિકારીના ઘરે વહેલી સવારથી જ ઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. દસાડાના નાવિયાણી ગામ અને લખતર તાલુકાના તલસાણા ગામના કૌભાંડ બાબતે ઈડીના દરોડા પડ્યા હોવાની ચર્ચાં હતી. ત્યારે સુરેન્દ્રનગરના એક વકીલની પણ ભૂમિકા હોવાનું જાણવા મળ્યું છે. ઇડીએ રેડ દરમ્યાન અનેક દસ્તાવેજી પુરાવા, રોકડ અને સોનાની તપાસ સહિત મહત્વપૂર્ણ માહિતી કબ્જે કરી છે. ઇડીએ મંગળવારે દરોડા પાડયા તેના ત્રણ દિવસ પૂર્વે કલેક્ટર રાજેન્દ્ર પટેલે એન.એ. શાખાને વિખેરી નાખી હતી. એન.એ. શાખામાં રહેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને એક પટ્ટાવાળાને તાત્કાલિક અસરથી બદલી કરી નાખવામાં આવી હતી. તેને લઇ એન.એ. શાખામાં કોઇ કૌભાંડ થયું હોવાની સંભાવના જાહેર કરાઈ રહી છે.
વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, સતત 14 કલાક સુધી કલેકટરના નિવાસ્થાને આ સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. તપાસ કયા મુદ્દે હાથ ધરવામાં આવી છે તે અંગેનું કારણ અકબંધ રાખવામા આવેલ હોવાનું સામે આવ્યું છે. તપાસ બાદ અનેક બેનામી સંપત્તિઓ અને અન્ય ગેરરીતિઓના ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.