રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના વરદહસ્તે ગાંધીધામના એસ.ટી. બસ સ્ટેશનનું કરાયું ખાતમૂહુર્ત

  આજ રોજ ગાંધીધામ ખાતેથી ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના વરદ્દહસ્તે ગાંધીધામ મુકામે નવનિર્મિત થનાર એસ.ટી. બસ સ્ટેશનનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં માતાના મઢ મુકામે વિશાળ જમીન પર  નિર્માણ થનારા અત્યાધુનિક બસ સ્ટેશનનું રાજ્યમંત્રીએ ઈ- ખાતમૂહુર્ત કર્યું હતું.

ગાંધીધામ ખાતે તૈયાર થતાં અત્યાધુનિક બસ સ્ટેશનનું રાજ્યમંત્રીશ્રી, ધારાસભ્યશ્રીઓ તથા મહાનુભાવોએ શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે ભૂમિપૂજન કર્યું હતું.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી વર્ચ્યુઅલી રીતે આ કાર્યક્રમમાં જોડાયા હતા. નાયબ મુખ્યમંત્રીશ્રીએ  વિકાસના વધુ એક આયામ માટે  મહાનગરના નગરજનોને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ બસ પોર્ટનું બનાવવાનું કામ ત્વરિત પૂર્ણ કરીને તેને કાર્યરત કરવાની ખાતરી મંત્રીશ્રીએ આપી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સુવ્યવસ્થિત પરિવહન સેવાના કારણે જીએસઆરટીસીના યાત્રીમાં વધારો નોંધાયો છે તેમ નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

          ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ પ્રાંસગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, “રાજ્ય સરકાર કચ્છના છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ પરિવહન સેવા પહોંચાડવા કટિબદ્ધ છે. માતાનો મઢ અને ગાંધીધામના આ નવનિર્મિત બસ સ્ટેશનો માત્ર પરિવહનનું માધ્યમ નહીં, પરંતુ મુસાફરો માટે સુવિધાનું ઉત્તમ કેન્દ્ર બનશે. આ સાથે જ બસપોર્ટ બનવાથી આવતા દિવસોમાં કચ્છનું મહાનગર એવું ગાંધીધામ અને શ્રેષ્ઠ યાત્રાધામ એવું માતાના મઢ સાર્વત્રિક રીતે વિકાસ સાધી સમૃદ્ધ બનશે તેમ રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

           ગાંધીધામ વિશે વાત કરતા રાજ્યમંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, આઝાદી બાદ સ્થપાયેલું  ગાંધીધામ બહુ જ ટૂંકા ગાળામાં વિકાસ સાધીને આજે મહાનગરપાલિકા બની ગયું છે. ગુજરાત સરકારના અવિરત પ્રયાસો અને ગાંધીધામ નગરજનોની ખેવના કારણે આજે આ મહાનગર તરીકે ઉભરી આવ્યું છે. આ ઉપરાંત રાજ્યમંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, વિભાજનની વેદનામાંથી ઊભું થયેલું આ ગાંધીધામ નગર આજે કચ્છની આર્થિક રાજધાની બની ગુજરાતનું મહત્વનું કેન્દ્ર બન્યું છે.

          મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કચ્છમાં જનકલ્યાણ હેતુથી માળખાકીય સુવિધાઓના વિકાસની ગુજરાત સરકારની વણથંભી યાત્રાની રાજ્યમંત્રીશ્રીએ પ્રસંશા કરી હતી. તે ઉપરાંત રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીની અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કચ્છ પ્રત્યે વિશેષ પ્રેમના કારણે જ રૂ. ૧૧ કરોડના ખર્ચે ગાંધીધામમાં અને રૂ. ૭ કરોડના ખર્ચે માતાના મઢ મુકામે અત્યાધુનિક સુવિધાઓ સાથેનું બસપોર્ટ બનાવવા જઈ રહ્યા છે. આ વિકાસના કાર્યો અંગે રાજ્યમંત્રીશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો અને નાયબ મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો હતો. આ સાથે જ નગરજનોને અભિનંદન પાઠવી દીનદયાળ પોર્ટે ફાળવેલી આ જમીન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

           આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, ગાંધીધામે છેલ્લા બે ત્રણ વર્ષોમાં હરણફાળ વિકાસ કર્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દીર્ઘદ્રષ્ટિ રાખીને ટકાઉ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. જેના પરિણામરૂપે આજે કચ્છને અદ્યતન સુવિધાઓથી તૈયાર થતાં ગાંધીધામ અને માતાના મઢના બસ સ્ટેશનો મળ્યા છે. તેઓએ કચ્છના અનેક વિકાસકાર્યોની નોંધ લઈને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે અબડાસા ધારાસભ્યશ્રીએ માતાના મઢ ખાતે નિર્માણ થનારા બસ સ્ટેશન માટે નાગરિકોને  શુભેચ્છાઓ પાઠવીને મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યકત કર્યો હતો.

         આ પ્રસંગે આનંદની લાગણી વ્યક્ત કરતાં

ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં વર્ષોથી ગાંધીધામના મુસાફરોને ટ્રાફિકની સમસ્યા સાથે જૂના બસ સ્ટેશનના ખાતે અગવડ વેઠવી પડતી હતી. આ તમામ મુશ્કેલીઓનો ઉકેલ મળતાં આજે ગાંધીધામમાં નવા બસ સ્ટેશનનું નિર્માણ થવા જઈ રહ્યું છે. નાયબ મુખ્યમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ હકારાત્મક વલણ રાખીને ગાંધીધામ શહેરને શોભે તેવા બસપોર્ટના નિર્માણ માટે સહયોગ આપીને નાગરિકોની ચિંતા સેવી છે.

        આ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, પૂર્વ વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ. નીમાબેન આચાર્ય, મહાનગરપાલિકા કમિશ્નરશ્રી મનીષ ગુરુવાણી, એસ.ટી વિભાગીય નિયામકશ્રી એન.એસ. પટેલ, પ્રાંત અધિકારીશ્રી સુરેશ ચૌધરી, દીનદયાળ પોર્ટના નાયબ ચીફ એન્જિનિયરશ્રી શ્રીનિવાસન રાવ તથા આગેવાનશ્રી દેવજીભાઈ વરચંદ, શ્રી ધવલ આચાર્ય, એસટી વિભાગના કર્મચારીશ્રીઓ, મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

       ઉલ્લેખનીય છે કે,ગુજરાત સરકાર દ્વારા મુસાફરોને ટ્રાન્સપોર્ટની ઉત્તમ સુવિધાઓ મળે તે હેતુથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન હેઠળ કચ્છમાં ભુજ વિભાગના ગાંધીધામ અને માતાના મઢ ખાતે નવા આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા બસ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા ₹૧૧૬૦.૮૭ લાખના ખર્ચે ગાંધીધામમાં અને  ₹૭૯૧.૪૩ લાખના ખર્ચે માતાના મઢ ખાતે અત્યાધુનિક બસ સ્ટેશન તૈયાર કરાશે

બોક્સ ૧

૧. ગાંધીધામ બસ સ્ટેશન: આધુનિક સુવિધાઓનો સંગમ

ગાંધીધામ ખાતે અંદાજે ₹૧૧૬૦.૮૭ લાખના ખર્ચે ૮,૦૦૦ ચો.મી. જમીન પર નવું બસ સ્ટેશન આકાર લઈ રહ્યું છે.

 પ્લેટફોર્મ: મુસાફરોની અવરજવર માટે કુલ ૧૧ પ્લેટફોર્મ બનાવવામાં આવશે.

સુવિધાઓ: વિશાળ વેટિંગ હોલ (૭૫૯.૯૨ ચો.મી.), એડમીન રૂમ, ટિકિટ બુકિંગ બારી, સ્ટુડન્ટ પાસ/ઈન્ક્વાયરી રૂમ, ઈલેક્ટ્રીક રૂમ અને કેન્ટીનની વ્યવસ્થા.

ખાસ સુવિધા: મહિલાઓ અને પુરુષો માટે અલગ વેટિંગ રૂમ તેમજ નાના બાળકો માટે ‘બેબી ફીડિંગ રૂમ’, વોટર એરિયા અને પાર્સલ રૂમની વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે પ્રથમ માળે ડ્રાઈવર-કંડક્ટર માટે રેસ્ટ રૂમ અને પ્રવાસીઓ માટે વિવિધ કેટેગરીના રેસ્ટ રૂમ (ક્લાસ-૧, ૨ અને ૩), સ્યૂટ રૂમ, ડોરમેટરી (બેડ રૂમ) અને કેફેની સુવિધા ઉપલબ્ધ થશે જે સાથે સ્થાનિક રોજગારી માટે અહીં કુલ ૧૩ જેટલા સ્ટોલ્સની પણ જોગવાઈ કરાઈ છે.

બોક્સ ૨

૨. માતાના મઢ બસ સ્ટેશન: યાત્રાળુઓ માટે આશીર્વાદરૂપ બનશે……

પ્રખ્યાત યાત્રાધામ માતાના મઢ ખાતે ₹૭૯૧.૪૩ લાખના અંદાજિત ખર્ચે ૫,૦૦૦ ચો.મી. જમીન પર નવા બસ સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે. અહીં ૬ પ્લેટફોર્મની સુવિધા આપવામાં આવશે.

મુખ્ય આકર્ષણ: યાત્રાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ૧૪૭.૮૭ ચો.મી.નો વેટિંગ હોલ અને ૪૦૨૨ ચો.મી. વિસ્તારમાં સી.સી. ટ્રી-મીક્ષ ફ્લોરિંગ કરવામાં આવશે. અન્ય સુવિધાઓ: પાર્સલ રૂમ, કેન્ટીન, વોટર એરિયા અને મહિલા-પુરુષો માટે આધુનિક શૌચાલય બ્લોકની સુવિધા ઉપલબ્ધ કરાવાશે સાથે જ પ્રથમ માળે ડ્રાઈવર-કંડક્ટર માટે રેસ્ટ રૂમ અને મુસાફરો માટે એસી તથા નોન-એસી આરામગૃહની વ્યવસ્થા ઉભી કરાશે.

દિવ્યાંગો માટે વિશેષ આયોજન

બંને બસ સ્ટેશનોમાં દિવ્યાંગો માટે સ્પેશિયલ શૌચાલય અને સ્લોપિંગ રેમ્પ, વ્હીલચેરની સુવિધા, દ્રષ્ટિહીન મુસાફરો માટે બ્રેઈલ લિપિમાં સાઈનેજીસ અને ટેક્ટાઈલ ટાઈલ્સની ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.

જિજ્ઞા પાણખાણીયા