કોસ્કો ગુજરાત સ્ટેટ પ્રાઇઝમની ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ 2025માં રાજકોટના દેવ ભટ્ટ અને સુરતની નિયતિ પાઠકે જીત હાંસલ કરી

કોસ્કો ગુજરાત સ્ટેટ પ્રાઇઝમની ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ 2025નું ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (કેડીટીટીએ)ના ઉપક્રમે 27 અને 28મી ડિસેમ્બર 2025 દરમિયાન અહીંના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, ગાંધીધામ ખાતે યોજાઈ હતી. અંડર-15 બોયસ કેટેગરીમાં રાજકોટનો દેવ ભટ્ટ અને ગર્લ્સમાં સુરતની નિયતિ પાઠક વિજેતા બન્યા હતા.
આ પ્રતિષ્ઠિત સ્ટેટ લેવલ ટૂર્નામેન્ટ રિશી કિરણ ગ્રૂપના સ્વ.શ્રી મહેશ નૌરતમલ ગુપ્તાના સ્મરણાર્થે તથા રમતના વિકાસમાં તેમના યોગદાન તથા પ્રોત્સાહનની યાદગીરીના ભાગરુપે યોજાઈ હતી.

અંડર-15 બોય્ઝમાં દેવ ભટ્ટે પાંચ ગેમની ભારે રોમાંચક ફાઈનલમાં અમદાવાદના દ્વિજ ભાલોડિયા સામે 3-2 (10-12, 11-3, 7-11, 11-8, 11-4)થી જીત હાંસલ કરી હતી. પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ દેવ એ મજબૂત લડત આપી હતી. જેમાં શાર્પ ફોરહેન્ડ આક્રમણની સાથે સતત લાંબી રેલીની મદદથી તેણે બાજી મારી હતી.

અંડર-15 ગર્લ્સ ફાઈનલમાં પણ રોમાંચક 5 ગેમના મુકાબલામાં જીત મેળવવા માટે નિયતિ પાઠકે અમદાવાદની ફિઝા પવાર સામે શાનદાર સંયમ અને સ્થિતિસ્થાપકતાનું પ્રદર્શન કરતા 3-2 (11-6, 10-12, 11-13, 11-8, 11-8)થી જીત હાંસલ કરી હતી. ત્રીજી ગેમમાં નજીવા અંતરથી હાર બાદ નિયતિએ પોતાની રમતમાં વધુ સુધાર કરતા અને રેલી પર નિયંત્રણ મેળવતા ટાઈટલ પોતાના નામે કર્યું હતું.

આ અગાઉ સેમિફાઈનલ, દેવ ભટ્ટ એ સુરતના અનય બચાવત સામે એકતરફી દબદબો જાળવી રાખતા 3-0 (11-3, 11-4, 11-8)થી જીત હાંસલ કરી હતી. જ્યારે અન્ય એક સેમિફાઈનલમાં, દ્વિજ ભાલોડિયા એ એટલી જ પ્રભાવશાળી રમત દાખવતા સ્થાનિક ફેવરિટ ધ્રુવ ભામ્બાણીને 3-0 (11-8, 11-9, 11-7)થી મહાત આપી હતી. ભામ્બાણી એ અગાઉ પોતાના શહેરના યુગ પ્રતાપ સિંહને ક્વાર્ટર ફાઈનલ સામે મજબૂત ટક્કર આપી સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. બીજી તરફ નિયતિ પાઠકે સુરતની ધિમણી કાબરાવાલ સામે 3-0થી જીત મેળવ્યા બાદ ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું, જ્યારે ફિઝા પવારે સેમિફાઈનલમાં બે નજીકના અંતરવાળી ગેમ સહિત 3-0થી ઝિનાલી પટેલ વિરુદ્ધ જીત મેળવતા ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.

ક્વાર્ટર ફાઈનલમાં અમુક રસાકસીભર્યા મુકાબલાઓ જોવા મળ્યા હતા. જેમાં દ્વિજ ભાલોડિયા એ મજબૂત લડત સાથે કચ્છના રેહાંશ સિંઘવી વિરુદ્ધ 3-2થી જીત મેળવી હતી. જ્યારે દેવ ભટ્ટ એ નૈરિત વૈદ્ય સામે સતત ગેમ જીતી બાજી મારી હતી.

ગર્લ્સ ક્વાર્ટર ફાઈનલમાં પણ તીવ્ર સ્પર્ધા જોવા મળી હતી. જેમાં નિયતિ પાઠક, ફિઝા પવાર, ઝિનાલી પટેલ અને ધિમહી કાબરાવાલ એ પ્રભાવશાળી પ્રદર્શન સાથે આગામી રાઉન્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું.

આ ટુર્નામેન્ટમાં ગુજરાત સ્ટેટ ટીટી એસોસીએસન અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સુરત ખાતે ચાલી રહેલી નિવાસી ટેબલ ટેનિસ એકેડમી અને હાઈ પર્ફોર્મન્સ સેન્ટરના ફોરેન એક્ષ્પર્ટ ચાઇનીસ કોચ શ્રી યેન વિ એ વિશેષ હાજરી આપી હતી.

આ ઉપરાંત આજના આ એવોર્ડ સમારંભમાં સીપીએલ ગ્રુપના ના ડી.કે અગ્રવાલ, મનીષ ગુપ્તા, જીએસટીટીએના કાર્યકારી પ્રમુખ કુશલ સંગતાણી, કેડીટીટીએના મંત્રીશ્રી મનીષ હિંગોરાણી,સહમંત્રીઓ સુનીલ મેનન અને કમલ આસનાની, સ્થાપક સદસ્ય રાજીવ સિંઘ ઉપસ્થિત રહ્યા હતા.

પરિણામો
અંડર-15 બોય્ઝ:

– ફાઈનલ : દેવ ભટ્ટ જીત્યા વિરુદ્ધ દ્વિજ ભાલોડિયા 3-2 (10-12, 11-3, 7-11, 11-8, 11-4)

– સેમિફાઈનલઃ
1. દેવ ભટ્ટ જીત્યા વિરુદ્ધ અનય બચાવત 3-0 (11-3, 11-4, 11-8)
2. દ્વિજ ભાલોડિયા જીત્યા વિરુદ્ધ ધ્રુવ ભામ્બાણી 3-0 (11-8, 11-9, 11-7)

– ક્વાર્ટર ફાઈનલઃ
1.દેવ ભટ્ટ જીત્યા વિરુદ્ધ નૈરીત વૈદ્ય 3-0 (11-8,11-4,11-6)
2. અનય બચાવત જીત્યા વિરુદ્ધ  આરવ સિંઘવી 3-1 (11-4, 2-11, 11-5, 11-5)
3. દ્વિજ ભાલોડિયા જીત્યા વિરુદ્ધ રેહાંશ સિંઘવી 3-2 ( 13-11, 9-11, 9-11, 11-4, 11-3)
4. ધ્રુવ ભામ્બાણી જીત્યા વિરુદ્ધ યુગ પ્રતાપ સિંઘ 3-1 (9-11, 11-8, 11-8, 11-6)

અંડર-15 ગર્લ્સ:
– ફાઈનલ : નિયતિ પાઠક  જીત્યા વિરુદ્ધ ફિઝા પવાર  3-2 (11-6, 10-12, 11-13, 11-8, 11-8)

– સેમિફાઈનલ:
1. ફિઝા પવાર  જીત્યા વિરુદ્ધ ઝિનાલી પટેલ 3-0 (13-11, 14-12, 11-7)
2. નિયતિ પાઠક  જીત્યા વિરુદ્ધ ધિમહી કાબરાવાલા 3-0 (11-5, 11-9, 11-6)

– ક્વાર્ટર ફાઈનલ:
1. ફિઝા પવાર  જીત્યા વિરુદ્ધ માયરા ખેશકાની 3-1 (11-9, 10-12, 11-3, 11-2)
2. ઝિનાલી પટેલ  જીત્યા વિરુદ્ધ જાહન્વી પરમાર 3-1 (11-6, 11-6, 8-11, 11-7)
3. નિયતી પાઠક  જીત્યા વિરુદ્ધ અનૈશા સિંઘવી 3-0 (12-10, 13-11, 11-6)
4. ધિમહી કાબરાવાલા  જીત્યા વિરુદ્ધ સિદ્ધિ સિંઘવી 3-1 (11-9, 11-7, 8-11, 11-6)