ધોળાવીરા ખાતે ૧૦મી જાન્યુઆરીએ યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના અન્ય સ્થળોની સાથે કચ્છના ધોળાવીરા ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ધોળાવીરા ખાતે ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સવારે ૯.૩૦ કલાકે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થશે. આ પતંગ મહોત્સવમાં ૧૮ દેશના ૪૫ તથા ૭ રાજ્યના ૨૩ પતંગબાજો ધોળાવીરાના આકાશમાં અવનવી પતંગોની રંગોળી રચશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે.
આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ભુજ ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, રાપર ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરી અને માંડવી ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે સહિત જિલ્લાના વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ હાજર રહેશે.
દેશ-વિદેશથી પધારેલા કાઈટિસ્ટોનું કચ્છની ધરા ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સ્વાગત કરવામાં આવશે. પતંગ મહોત્સવમાં કચ્છના નાગરિકોને જોડાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર તથા પ્રવાસન વિભાગ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.