ખાણની ટ્રકોના અતિશય વાહનવ્યવહાર સામે ગ્રામજનોનો રસ્તા બંધ કરી વિરોધ

અંતે બળદિયા, જુમખા અને વડજર ગામના ગ્રામજનોનો સંયમ તૂટી પડ્યો. સરપંચો, ઉપસરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો તથા ખેડૂતો સૌ સાથે મળી બળદિયાથી જુમખા અને વડજર તરફ જતો મુખ્ય માર્ગ સદંતર બંધ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો.
સ્થાનિક કચેરીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં ગ્રામજનોને આ પગલું ભરવું પડ્યું. કેરા સીમ તળમાં ચાલી રહેલા ખાણ કામમાંથી દરરોજ અંદાજે ૩૦૦ જેટલી ભારે ટ્રકો આ માર્ગ પરથી પસાર થવાથી માર્ગ અત્યંત ધૂળમય બની ગયો છે. પરિણામે રોજબરોજ નાના-મોટા અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે અને સ્થાનિકો તેમજ આસપાસના ગામોના નાગરિકો ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી ખાણ કામના વાહનવ્યવહાર માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા, ધૂળ નિયંત્રણ (પાણી છંટકાવ), માર્ગ સલામતી અને નિયમિત દેખરેખ જેવી તાત્કાલિક કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી તેમનો શાંતિપૂર્ણ પરંતુ દ્રઢ વિરોધ ચાલુ રહેશે.
પ્રશાસન તાત્કાલિક દખલ આપે અને જનહિતમાં યોગ્ય નિર્ણય લે તેવી ગ્રામજનોની માંગ છે.