વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૬નો ઉત્સાહભેર પ્રારંભ

આજરોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૬નો કચ્છ જિલ્લાના વિશ્વ વારસાના સ્થળ ધોળાવીરા ખાતે ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. આ કાર્યક્રમ કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.આ પ્રસંગે ૧૭ આંતરરાષ્ટ્રીય કાઈટિસ્ટની ટીમ, ભારતભરમાંથી આવેલા ૨૩ કાઈટિસ્ટો સહિત કચ્છની ટીમને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપીને આવકાર અપાયો હતો. કાર્યક્રમનું ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસના વિઝનથી રાજ્ય સરકાર અનેક ઉત્સવો યોજીને ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવાનું કાર્ય કરી રહી છે. તેના જ પરિણામરૂપે કચ્છની વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાની ધરતી પર દેશ વિદેશમાંથી પ્રવાસીઓ આવી રહ્યા છે. આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર તેમજ ગુજરાતની સંસ્કૃતિનું પ્રતીક બન્યો છે તેમ પ્રમુખશ્રીએ ઉમેર્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના વિઝનથી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના અવિરત પ્રયાસોથી આજે કચ્છ દુનિયાભરમાં જાણીતું બન્યું છે. પ્રમુખશ્રીએ રાજ્ય સરકારશ્રીના વિકાસના કાર્યમાં એક વિચાર, એક દ્રષ્ટિ રાખીને વિકાસમાં સહભાગી બનવાં અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે કચ્છ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીએ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા ખાતે પધારેલા વિવિધ દેશોના કાઈટિસ્ટોને આવકાર આપતા જણાવ્યું હતું કે, ઉત્તરાયણ એ દેશ અને ગુજરાત રાજ્ય માટે મહત્વનો પવિત્ર અને ઉત્સાહનો તહેવાર છે. ત્યારે આ વર્ષે ધોળાવીરા ખાતે દેશ–વિદેશના કાઈટિસ્ટો પોતાની કળા પ્રદર્શિત કરશે તે માણવાનો પ્રવાસીઓને મોકો મળશે.
આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ દરમિયાન અલગેરિયા, આર્જેન્ટિના, ચિલી, કોસ્ટારિકા, ફ્રાન્સ, ગ્રીસ, ઈન્ડોનેશિયા, આયર્લેન્ડ, જોર્ડન, રશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, ટ્યુનિશિયા, વિયેતનામ અને યુ.કે સહિતના ૧૭ દેશના આંતરરાષ્ટ્રીય કાઈટિસ્ટ તેમજ દિલ્હી, કેરલ, લક્ષદીપ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સહિત ૭ રાજ્યો- સંઘ પ્રદેશોના કાઈટિસ્ટ અને કચ્છ જિલ્લાના કાઈટિસ્ટોએ અવનવી ડિઝાઇનની પતંગો સાથે ધોળાવીરાના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું.
શાળાના વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ તથા ગ્રામજનો સહિત ઉપસ્થિત સૌએ પતંગોત્સવની મજા માણી હતી. કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતી ડાન્સની પ્રસ્તુતિને વિદેશી કાઈટિસ્ટ સહિત મહાનુભાવોએ બિરદાવી હતી.
આ પ્રસંગે ધોળાવીરા સરપંચશ્રી જીલુભા સોઢા, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિ અધ્યક્ષશ્રી રૂપેશભાઈ આહિર, જિલ્લા પંચાયત સદસ્યશ્રી રાજુભા જાડેજા, ભચાઉ પ્રાંત અધિકારીશ્રી જ્યોતિબેન ગોહેલ, મામલતદારશ્રી મોડસિંગ રાજપૂત, તાલુકા વિકાસ અધિકારીશ્રી વજેસિંગ પરમાર , બીએસએફના અધિકારીશ્રી સહિત અગ્રણીશ્રીઓ શ્રી કેશુભા વાઘેલા, શ્રી બળવંતભાઈ ઠક્કર, શ્રી એન.આર. ગઢવી, શ્રી નારણભાઇ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યું હતું.
જિજ્ઞા પાણખાણીયા