ભુજની પાલારા ખાસ જેલમાં કેદીઓના માનસ પરિવર્તન માટે અનોખો પ્રયાસ…

ભુજ કચ્છ સ્થિત પાલારા ખાસ જેલમાં કેદીઓના માનસિક પરિવર્તન તથા સમાજ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસે તે હેતુસર એક અનોખી અને પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે. મિશન સ્માર્ટ સીટી અંતર્ગત રાજકોટની પ્રખ્યાત ચિત્રનગરી સંસ્થાની ટીમ દ્વારા મૌલિક જીતેન્દ્રભાઈ ગોટેચાએ કહ્યું હતું કે, તારીખ ૦૯/૦૧/૨૦૨૬ થી તા. ૧૧/૦૧/૨૦૨૬ દરમિયાન ત્રણ દિવસીય વિશેષ અભિયાન યોજાઈ રહ્યું છે. આ અભિયાન દરમિયાન જેલની અંદરના ભાગની દિવાલો પર સુંદર સુશોભિત ચિત્રો તેમજ પ્રેરણાદાયી સુવિચારો આકૃત કરવામાં આવી રહ્યા છે. આ વિશેષ કાર્ય માટે ચિત્રનગરી રાજકોટ સંસ્થાની ટીમમાંથી અંદાજે ૭૦ જેટલા કુશળ આર્ટીસ્ટો ભુજ આવ્યા છે. આર્ટીસ્ટો દ્વારા તૈયાર કરવામાં આવતા ચિત્રોમાં સમાજ જાગૃતિ, નૈતિક મૂલ્યો, સ્વચ્છતા, નશામુક્તિ, મહિલા સન્માન, માનવતા, ન્યાયિક પ્રણાલી, સંવિધાન, પારિવારિક હૂંફ, શાંતિ અને આત્મપરિવર્તન તેમજ લોકોથી આવેશમાં આવીને થઈ જતી ભૂલ પછી પસ્તાવો થાય જેવા મહત્વપૂર્ણ વિષયો રજૂ કરવામાં આવ્યા છે. રંગબેરંગી અને સંદેશાપ્રેરક આ ચિત્રો જેલના વાતાવરણને જીવંત બનાવવાની સાથે કેદીઓમાં આશા અને સકારાત્મક વિચારો પ્રેરવાનું કામ કરી રહ્યા છે. જેલ પ્રશાસનનું માનવું છે કે આવા લોકજાગૃતિના ચિત્રો કેદીઓના માનસ પર ઊંડો પ્રભાવ પાડે છે. જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ આ ચિત્રો અને સુવિચારો જોઈને પોતાની ભૂલો પર વિચાર કરે અને સમાજમાં પરત ફરી સારા નાગરિક બની શકે તે દિશામાં પ્રેરણા મળે છે. આ રીતે આ પ્રયાસ માત્ર જેલની દિવાલોને શણગારવાનો નથી, પરંતુ કેદીઓના જીવનમાં પરિવર્તન લાવવાનો એક સશક્ત માધ્યમ બની રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ચિત્રનગરી રાજકોટ સંસ્થાના એક હજારથી વધુ આર્ટીસ્ટો સમગ્ર ગુજરાતના નિસ્વાર્થ ભાવે વિવિધ જિલ્લાઓમાં લોકજાગૃતિ માટે ચિત્રો બનાવી રહ્યા છે. તેજ અનુસંધાને ભુજની પાલારા ખાસ જેલમાં ત્રણ દિવસીય આ અભિયાન દ્વારા સમાજ જાગૃતિ અને કેદીઓના માનસ પરિવર્તન માટે એક અદ્ભુત અને પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અહીં જેલમાં કાચા કેમના કેરી દ્વારા પણ અદ્ભુત ચિત્રા દોરવા આવ્યા હતા જેથી આવેશમાં આવીને ગુન્હો કરી બેસતા કેદીઓનો અહીં માનસ પરિવર્તન થાય તે દિશામાં સમાજઉપયોગી કાર્ય થશે. જેલ અધિક્ષક બી.બી. પરમારે કહ્યું હતું કે, અહીં જેલમાં કેદીઓને જાગૃત કરવા અને ફરી પાછો આવેશમાં આવીને કોઈ ગુન્હો ના કરે તે માટે લખાણ, સુવિધારો અને શાંત વાતાવરણમાં આવા લોક જાગૃતિ ચિત્રો ખુબજ ઉપયોગી સાબિત થઈ શકે છે.