કચ્છમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે આંગણવાડી કેન્દ્રોમાં જિલ્લા વહીવટીતંત્રની મેગા ડ્રાઈવ

કચ્છ જિલ્લાની આંગણવાડીઓના સુદ્રઢીકરણ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે જિલ્લા
વહીવટી તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કમિશનરશ્રી (ICDS) અને જિલ્લા વિકાસ
અધિકારીશ્રી (IAS)ના માર્ગદર્શન હેઠળ ૩૦ અને ૩૧ જાન્યુઆરી દરમિયાન સમગ્ર જિલ્લામાં
આંગણવાડી કેન્દ્રોનું આકસ્મિક ક્ષેત્રીય નિરીક્ષણ (Field Visit) કરવામાં આવ્યું હતું.
‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ અંતર્ગત પસંદ કરાયેલા કેન્દ્રોની પ્રગતિ તપાસવા માટે
જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર, CDPO, મુખ્ય સેવિકા (MS) તથા જિલ્લા અને બ્લોક લેવલના
કોર્ડિનેટર્સની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. અધિકારીશ્રીઓએ આંગણવાડીઓના
ભૌતિક માળખા, આકર્ષક રંગરોગાન અને બાળકો માટેના શૈક્ષણિક વાતાવરણનું ઝીણવટપૂર્વક
નિરીક્ષણ કર્યું હતું.
આ મુલાકાત દરમિયાન માત્ર ભૌતિક સુવિધાઓ જ નહીં, પરંતુ ટેકનોલોજીના ઉપયોગ પર
પણ ભાર મૂકવામાં આવ્યો હતો. ‘પોષણ સંગમ’ કાર્યક્રમની અસરકારકતા તપાસવાની સાથે ‘ટેકો’
(Techo) એપ્લિકેશન અને ‘પોષણ ટ્રેકર’ (Poshan Tracker) માં લાભાર્થીઓના ડેટાની
સુસંગતતાની ચકાસણી કરવામાં આવી હતી. આ મુલાકાતના અહેવાલની ઓનલાઇન એન્ટ્રી AVT
(Anganwadi Visit Tool) સોફ્ટવેરમાં સ્થળ પર જ કરવામાં આવી હતી. છેવાડાના બાળક સુધી
પૂરક પોષણ અને પૂર્વ-પ્રાથમિક શિક્ષણનો લાભ પહોંચે તે હેતુથી ૩ થી ૬ વર્ષના બાળકોનો પ્રત્યક્ષ
‘હેડ કાઉન્ટ’ (હાજરી) તપાસવામાં આવી હતી. ગ્રામીણ વિસ્તારના બાળકો, ધાત્રી અને સગર્ભા
માતાઓને મળતી સુવિધાઓ વધુ સુદ્રઢ બને તે માટે વહીવટી તંત્ર કટિબદ્ધ છે. આ ઝુંબેશ દ્વારા
જિલ્લાની આંગણવાડીઓને વધુ સુવિધાજનક અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરી મોડેલ
આંગણવાડી બનાવવાનો સરકારનો સંકલ્પ છે.