ભુજ જી.કે.માં ‘ડો-ડે’ નિમિત્તે તબીબ અને કાનૂની પ્રક્રિયા તથા ડો.-દર્દી સબંધો અંગે પરિસંવાદ યોજાયો

ભુજ તા., અદાણી જી.કે.જનરલ હોસ્પિટલે તેના કાર્યકાળના સાતમાં વર્ષનાં મંગલપ્રવેશ નિમિત્તે અને ડોક્ટર્સ-ડેની ઉજવણી સંદર્ભે ડોક્ટર્સ અને દર્દીના સબંધો તથા તબીબ અને કાનૂની પ્રક્રિયા અંગે યોજાયેલા વર્કશોપમાં વિવિધ વક્તાઓએ તબીબોએ દર્દી સાથે માનવીય વહેવાર કરી તેમની સાથે સહાનુભુતિ સહ તાદાત્મય કેળવવા ઉપર ભાર મુક્યો હતો. મેડિકલ કોલેજના વ્યાખ્યાન ક્ક્ષમાં આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદે ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ શ્રી. બી.એન.પટેલ, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં પેનલ એડવોકેટ શ્રી એચ.ડી.વાઘેલા, મેડિકલ ડાયરેક્ટર ડો. જ્ઞાનેશ્વર રાવ તથા ચીફ મેડિકલ સુપ્રિ.ડો. એન.એન.ભાદરકાએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે મેડિકલ ડાયરેક્ટર ડો.જ્ઞાનેશ્વર રાવે કહ્યું કે, ડોક્ટર્સને પણ મેડીકો લીગલ કેસ સબંધે કાનૂની જાણકારી હોવી જરૂરી છે. તેમણે તબીબ અને દર્દીના સબંધો અંગે જણાવ્યું હતું કે, ડોકટરનો દર્દી સાથેનો વ્યવહાર નૈતિકપૂર્ણ હોવો જોઈએ. ડોક્ટર જો દર્દીને લાગણી સમજે તો બધા જ પ્રશ્નોનું નિરાકરણ આવી જશે. આ પ્રસંગે ચીફ મેડિકલ સુપ્રિ. ડો. એન.એન.ભાદરકા, અધિક મેડિકલ સુપ્રિ. ડો. નરેન્દ્ર હિરાણી, પ્રોફેસર અને પેથોલોજી વિભાગના હેડ ડો. ડી.એન.લાન્જેવર, પીડીયાટ્રીક્સ વિભાગના હેડ ડો. હસમુખ ચૌહાણ, આઈ વિભાગના હેડ ડો. કવિતા પારેખ સહિત તબીબો અને રેસીડેન્ટ તબીબો ઉપસ્થિત રહ્યા હતા. આભારદર્શન ચીફ મેડિકલ એડ્મીનીસ્ત્રેટર ડો.ચિંતન શનિશ્વરાએ કર્યું હતું. અને કાર્યક્રમનું સંચાલન ડો. ડેન્સી ઠક્કરે કર્યું હતું.
