કચ્છ યુનિવર્સિટીમાં ‘ભારતીય જ્ઞાન પરંપરા’ વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો : વિદ્વાનોએ સાહિત્યિક વારસાને ઉજાગર કર્યો

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો ગુજરાતી વિભાગ અને શ્રી હમીરજી રત્નું લોકસાહિત્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ‘ભારતીય જ્ઞાન પરંપરા અને ઐતિહાસિક સાહિત્ય’ વિષય પર આધારિત આ કાર્યક્રમ નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના સહયોગથી યુનિવર્સિટીના કોર્ટ હોલ ખાતે યોજાયો હતો. ‘ભારતીય જ્ઞાન પરંપરા અને ઐતિહાસિક સાહિત્ય’ વિષય પર યોજાયેલા આ સેમિનારમાં વિદ્વાનોએ ભારતીય સંસ્કૃતિ અને પ્રાદેશિક સાહિત્યના અતૂટ સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમની શરૂઆત રજીસ્ટ્રેશન અને અલ્પાહાર બાદ પરંપરાગત દીપ પ્રાગટ્ય અને કચ્છના પ્રખર સાહિત્યકાર દુલેરાય કારાણીજીને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ગુજરાતી વિભાગના અધ્યક્ષા ડૉ. કાશ્મીરાબેન મહેતાએ સ્વાગત પ્રવચન દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપી સૌને આવકાર્યા હતા.

ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત મહાનુભાવોએ ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનના મહત્વ પર ભાર મૂક્યો હતો. કચ્છના પૂર્વ સાંસદ અને ટ્રસ્ટી પુષ્પદાનભાઈ ગઢવીએ પ્રેરક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે “કચ્છ ભૌતિક, સાહિત્યિક અને આધ્યાત્મિક રીતે ખૂબ આગળ વધી રહ્યું છે ત્યારે આપણે સૌએ દીવો બનીને સમાજમાં તેજસ્વી પ્રકાશ ફેલાવવાનો છે.” આ તકે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ભારતીય જ્ઞાન પરંપરાને એક અફાટ દરિયો ગણાવતા કહ્યું હતું કે આપણો સાહિત્યિક વારસો આપણને સ્વયંભૂ મળેલો છે અને તેને જાળવવા માટે સરકાર પણ સતત પ્રયત્નશીલ છે. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહનભાઈ પટેલે દુલેરાય કારાણીની જન્મ અને પુણ્યતિથિનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે કચ્છના સમૃદ્ધ સાહિત્ય પર હજુ ૨૦ વર્ષ સુધી સંશોધન થઈ શકે તેટલું ભાથું મોજૂદ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ધોરણ ૬ થી કોલેજ સુધી ભગવત ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ એ જ્ઞાન પરંપરાના ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે.

કાર્યક્રમમાં બીજરૂપ વક્તવ્ય આપતા પદ્મશ્રી ગૌતમ પટેલે સંસ્કૃત ભાષા અને ભારતીય શાસ્ત્રોની મહત્તા સમજાવતા એક અત્યંત માર્મિક વાત કરી હતી કે “ગુજરાત જો ભારતનું કપાળ હોય તો કચ્છ તેનું ભાલ છે અને ભુજ એ તિલક સમાન છે.” તેમણે ઉમેર્યું કે સંસ્કૃત એ દૈવી વાણી છે અને ભારતે વિશ્વને શૂન્ય, આલ્ફાબેટ અને પાઈની સાથે ગાયત્રી મંત્ર જેવી બૌદ્ધિક ઉપાસનાની ભેટ આપી છે. સંસ્કૃતની મહત્તા સમજાવતા તેમણે બેંગ્લોરથી પ્રકાશિત થતા સંસ્કૃત અખબારનો ઉલ્લેખ કર્યો હતો. આ પ્રથમ સત્રનું સંચાલન ડૉ. પંકજ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ ડૉ. રાજેન્દ્ર બાંભણિયાએ કરી હતી.

પરિસંવાદની વિવિધ બેઠકોમાં ભાષાકીય વિવિધતા જોવા મળી હતી. પ્રથમ બેઠકમાં એસ.પી. યુનિવર્સિટીના ડૉ. સુધા ચૌહાણ અને એમ.એસ. યુનિવર્સિટીના ડૉ. દિપેન્દ્રસિંહ જાડેજાએ અનુક્રમે ગુજરાતી અને હિન્દી સાહિત્યમાં જ્ઞાન પરંપરાના પ્રદાન વિશે ગહન ચર્ચા કરી હતી. પ્રથમ બેઠકનું સંચાલન નીલુબેન ગોહિલ અને અંજનાબેન રામાનંદીએ કર્યું હતું. ભોજન બાદના સત્રમાં જાણીતા સાહિત્યકાર જયંતિ જોષી ‘શબાબ’એ કચ્છી લોકબોલીમાં ‘પાની સબ મેં એક’ વિષય પર અનેક કવિ-લેખકોના અવતરણો દ્વારા દિલની વાતો કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમણે શાયરાના અંદાજમાં કહ્યું હતું કે “તમે કરજો પ્રેમની વાતો, અને અમે કરશું પ્રેમ.” આ પંક્તિ સાથે તેમણે કચ્છી, સિંધી અને સંસ્કૃતના ઉદાહરણો ટાંકીને ભાષાકીય વિવિધતામાં એકતાનો સંદેશ આપ્યો હતો. બીજી બેઠકનું સંચાલન ડો. ચૈતાલીબેન ઠક્કરે કર્યું હતું.

સમાપન સત્રમાં શ્રી કાનજીભાઈ મહેશ્વરીએ ‘મામઈ દેવની વાણી’ અને ભારતીય જ્ઞાન પરંપરા પર પોતાના અનુભવો રજૂ કર્યા હતા. સમાપન સત્રનું સંચાલન ડો. મેહુલ પટેલે કર્યું હતું. સમગ્ર પરિસંવાદ દરમિયાન કુલ ૧૫૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી ૪૨ યુવા સંશોધકોએ ઉત્સાહપૂર્વક શોધપત્ર વાંચન કર્યું હતું. આ સમગ્ર અહેવાલ ડૉ. રમજાન હસણીયાએ રજૂ કર્યો હતો અને સંચાલન ડો. હીનાબેન ગંગર અને ડો. ફાલ્ગુનીબેન પોમલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા અને મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડૉ. હીનાબેન ગંગર દ્વારા આભારવિધિ સાથે કાર્યક્રમનું સફળ સમાપન કરવામાં આવ્યું હતું.