ચૂંટણી અંતર્ગત સભા સરઘસની પરવાનગી મેળવી લેવી
આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લામાં તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૦૧/૦૪/૨૦૨૬ થી તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી ચાલશે. આગામી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ચૂંટણી આયોગ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે.
જેથી શ્રી આનંદ પટેલ, જિલ્લા મેજિસ્ટ્રેટ, કચ્છ-ભુજએ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ (૩૭) ની પેટા કલમ (૩) થી મળેલ સત્તાની રૂએ તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં વ્યક્તિઓની કોઈ મંડળી, સભા અને સરઘસ, પરવાનગી સિવાય ભરવા માટે મનાઈ ફરમાવી છે. તેમજ રાત્રીના ૧૦:૦૦ વાગ્યા થી સવારના ૦૮:૦૦ વાગ્યા સુધી મંડળી, સભા અને સરઘસની પરવાનગી નહીં આપવા ફરમાન કર્યુ છે. વધુમાં આ હુકમ સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિઓ, સંસ્થાને ફરજ પર હોય તેવી ગૃહરક્ષકદળની વ્યક્તિઓને, કોઈ લગ્ન પ્રસંગના વરઘોડાને, કોઈ સ્મશાનયાત્રાને લાગુ પડશે નહીં. આ હુકમના કોઈ પણ ભાગનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને સદરહુ અધિનિયમની કલમ ૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.
ગુજરાત પોલીસ એકટની કલમ-૧૩૫ની આદેશાત્મક જોગવાઈઓ ધ્યાને લઈ આ જાહેરનામાનો ભંગ બદલ ગુના કામે આ જાહેરનામા હેઠળ તપાસ કરવાના, જાહેરનામાના પાલન કરવાના, અને તપાસના અંતે ચાર્જશીટ રજૂ કરવાના અધિકાર જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરના કર્મચારીઓને રહેશે.