વડોદરામાં મહિલા કોન્સ્ટેબલનો આપઘાત
copy image

વડોદરામાં કપુરાઇ પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલએ ગળે ફાંસો ખાઈ લીધો હોવાનો ચકચારી બનાવ સામે આવી રહ્યો છે. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યાં છે, વડોદરામાં કપુરાઇ પોલીસ મથકમાં ફરજ બજાવતા અને આજવા રોડ નવજીવન નજીક રહેતી 27 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ હાલમાં જ PSIની દોડની પરીક્ષા પાસ કરી હતી અને લેખિત પરીક્ષા માટે તૈયારી કરી રહ્યાં હતા. હતભાગીએ ગત દિવસે પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. પ્રિયંકાના આપઘાતનું કારણ હજુ પણ અકબંધ છે.
વધુમાં જાણવા મળી રહ્યું છે ગઇકાલે રાત્રે લગભગ 11થી 11:30 વાગ્યાની આસપાસ લેખિત પરીક્ષાનું મટીરીયલ આપવા એક પોલીસ મિત્ર ઘરે ગઈ હતી. જેને દરવાજો ખખડાવતા તેને દરવાજો ખોલ્યો ન હતો. બાદમાં દરવાજો તોડી અંદર જોતા પ્રિયંકા પ્રજાપતિ પંખા પર ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. છેલ્લા બે વર્ષથી કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર હતભાગી નવજીવન વિસ્તારમાં વોર્ડ નંબર 5ની ઓફિસ સામે એકલા રહેતા હતા. પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ પણ વિગતો સામે આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં તપાસ ચાલુ છે.