trait of Hormuz માર્ગે થાઇલેન્ડના ધ્વજ વાળા કાર્ગો જહાજ પર હુમલો : જહાજમાંથી ઘાટો કાળો ધુમાડો ઉઠતો જોવા મળ્યો

મધ્ય પૂર્વના મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ Strait of Hormuzમાં બુધવારે એક ચોંકાવનારી ઘટના બની. થાઇલેન્ડના ધ્વજવાળું કાર્ગો જહાજ “Mayuree Naree”, જે યુએઈના ખલીફા પોર્ટથી ગુજરાતના કંડલા બંદર તરફ આવી રહ્યું હતું, તેના પર અજાણ્યો હુમલો થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. હુમલા બાદ જહાજમાંથી ઘાટો કાળો ધુમાડો ઉઠતો જોવા મળ્યો હતો.
થાઇ નૌકાદળ દ્વારા જાહેર કરાયેલા ફોટોમાં જહાજના ઉપરના ભાગ અને હુલમાંથી ધુમાડો નીકળતો દેખાય છે અને આસપાસ પાણીમાં લાઇફ રાફ્ટ પણ તરતી જોવા મળી. ઓમાન નૌકાદળે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી 20 ક્રૂ સભ્યોને સુરક્ષિત બહાર કાઢ્યા, જ્યારે 3 નાવિકો હજુ લાપતા હોવાનું જણાવાયું છે.
લગભગ 178 મીટર લાંબું અને લગભગ 30,000 ટન ક્ષમતા ધરાવતું આ બલ્ક કેરિયર થાઇ કંપની Precious Shipping PCLનું હોવાનું જણાવાયું છે. હુમલાનું ચોક્કસ કારણ હજુ તપાસ હેઠળ છે અને અત્યાર સુધી કોઈ જૂથે જવાબદારી સ્વીકારી નથી.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઇઝરાયલ અને ઇરાન વચ્ચે વધતા તણાવને કારણે હોર્મુઝ સમુદ્રી માર્ગમાં સુરક્ષાને લઈને ચિંતાઓ વધતી જઈ રહી છે. હાલમાં આ વિસ્તારમાં ભારતના 28 જહાજો કાર્યરત છે, જેમાં 778 ભારતીય નાવિકો સવાર હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું છે.