સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અબડાસા કોંગ્રેસના ગઢમાં ગાબડું : અબડાસા તાલુકા પંચાયતના સદસ્યો સહિતના કોંગ્રેસી આગેવાનો આજરોજ ભાજપમાં જોડાયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે ત્યારે કચ્છ કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તુટે એવી સ્થિતિનું નિર્માણ પામવા જઈ રહ્યું છે. આજરોજ અબડાસા તાલુકા પંચાયતના વર્તમાન સદસ્યો સહિતના કોંગ્રેસી આગેવાનો કોંગ્રેસને કાયમી ધોરણે અલવિદા કહીને ભાજપમાં જોડાયા હતા.
કોઠારા તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્ય એવા મોકાજી હમીરજી સોઢા, સુથરી તાલુકા પંચાયતના કોંગ્રેસી સભ્ય રહીમાબાઈ આમદ સંઘાર વતી તેમના પતિ આમદ હુશેન સંઘાર તેમજ સ્થાનિક કોંગ્રેસી અગ્રણી અને કોઠારા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ હેમભા સુમરાજી જાડેજા આજરોજ તેમના કાર્યકરો સાથે જીલ્લા ભાજપ મંત્રી પરેશભાઈ ભાનુશાલી, અબડાસા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા તેમજ અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા સહિતના અગ્રણીઓને સાથે રાખીને કચ્છ જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય કચ્છ કમલમ ખાતે પધાર્યા હતા જ્યાં જીલ્લા ભાજપ મહામંત્રીઓ હિતેશભાઈ ખંડોર અને ભીમજીભાઈ જોધાણીની ઉપસ્થિતિમાં જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના હસ્તે ખેસ ધારણ કરીને વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.
આ પ્રસંગે શ્રી વરચંદે જણાવ્યું હતું કે સમગ્ર કોંગ્રેસ દિશાથી વિમુખ જઈને સઢ વગરના વહાણની માફક આમતેમ ભટકી રહી છે. સેવા, વિકાસ અને રાષ્ટ્રવાદના સથવારે ખુદની લીટી લાંબી કરવાના બદલે યેનકેન પ્રકારે ભારતીય જનતા પાર્ટીની લીટી ભૂંસવા મથી રહેલી કોંગ્રેસ એની મૂઢતાની પરાકાષ્ઠાનું વરવું પ્રદર્શન કરીને રામ મંદિરનો વિરોધ, AI સમિટમાં વિદેશી અતિથિઓ સામે દેશની અસ્મિતાના ધજાગરા, સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવાઓ માંગીને તદ્દન નિમ્ન કક્ષાએ જઈને બેઠી છે અને એના ખુદના પાયાના કાર્યકરોને સાચવવામાં પણ સરેઆમ નિષ્ફળ રહી છે.
આ પ્રસંગે ભાજપમાં જોડાયેલ મોકાજી સોઢાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ભારત આજે ગૌરવભેર સર્વાંગી વિકાસ સાધી રહ્યું છે ત્યારે કોંગ્રેસ માત્ર એક જ પરિવારને પોસવા માટે વલખા મારી રહી છે જે અત્યંત શરમજનક બાબત છે. કોંગ્રેસના ચાવવા અને બતાવવાના દાંત સદંતર જુદા હોઈ આંતરિક હુંસાતુંસી અને ટાંટિયાખેંચના કારણે અહીં જુના કાર્યકરોની કોઈ જ કિંમત નથી જ્યારે ભારતીય જનતા પાર્ટી વિકાસ અને રાષ્ટ્રવાદને સમર્પિત તમામ લોકોને પૂરતું સન્માન આપે છે.
આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ પ્રફુલસિંહ જાડેજા, આશિકાબેન ભટ્ટ, અબડાસા તાલુકા ભાજપ મહામંત્રી ગોપાલભાઈ ગઢવી, વિનયભાઈ રાવલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.