પાન્ધ્રો બેઠકના રોટેશન મુદ્દે હાઈકોર્ટમાં અરજી કચ્છ જિલ્લા પંચાયતની ચૂંટણી અરજીના પરિણામને આધીન રહેશે

પાન્ધ્રો બેઠકના રોટેશન અંગે ઉઠેલા વિવાદને લઈને પાન્ધ્રો ગામના રહેવાસીઓ દ્વારા અમદાવાદ ખાતેની ગુજરાત હાઇકોર્ટ માં અરજી કરવામાં આવી છે. અરજદારો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે કચ્છ જિલ્લા પંચાયત હેઠળની પાન્ધ્રો બેઠક માટે કરવામાં આવેલ રોટેશન પ્રક્રિયા નિયમો તથા કાયદેસર જોગવાઈઓ મુજબ કરવામાં આવી નથી. અરજદારોનું કહેવું છે કે પંચાયતની બેઠકના રોટેશન માટે નક્કી કરવામાં આવેલ કાયદાકીય માપદંડો અને પ્રક્રિયાનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નથી, જેના કારણે પાન્ધ્રો વિસ્તારના મતદારોના હિતોને અસર થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. આ કારણે પાન્ધ્રો ગામના રહેવાસીઓએ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.આ અરજીની પ્રાથમિક સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સંબંધિત સત્તાધિકારીઓને નોટિસ જારી કરી છે અને સાથે નોંધ્યું છે કે જો આ દરમ્યાન કચ્છ જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે તો તે આ અરજીના અંતિમ પરિણામને આધીન રહેશે.આ અરજી પાન્ધ્રો વિસ્તાર ના રહેવાસી શ્રી શંકરસિંહ દેવાજી જાડેજા,શ્રી મગાજી ગાજાજી સોઢા, અને શ્રી મહેન્દ્રસિંહ રાણાજી જાડેજા દ્વારા કરવામાં આવી છે.અરજદારો તરફથી હાઈકોર્ટમાં એડવોકેટ શ્રી અવિનાશ રામજી ઠક્કરતથા એડવોકેટ શ્રી શિવાંગ એ. ઠક્કર દ્વારા દલીલો રજૂ કરવામાં આવી હતી, જ્યારે આ કેસ માટે તેમને ભુજના એડવોકેટ શ્રી ગુણવંતસિંહ ડી સોઢા દ્વારા અમદાવાદ હાઈકોર્ટમાં નિમણૂંક કરવામાં આવી છે.આ મામલે આગામી સુનાવણી દરમિયાન સરકાર અને સંબંધિત સત્તાધિકારીઓ તરફથી જવાબ રજૂ થવાની સંભાવના છે અને ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા આગળનો નિર્ણય લેવામાં આવશે.