કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલના નેતૃત્વમાં જિલ્લાના વિકાસ સત્તામંડળોમાં પ્રથમ વખત બજેટ આધારિત સુયોજિત આયોજન

          કચ્છ જિલ્લા કલેક્ટર અને જિલ્લાના વિવિધ વિસ્તાર સત્તામંડળના ચેરમેન શ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ વિકાસ સત્તામંડળો જેમ કે ભાડા, ભચાઉ-ભાડા, રાડા, અંજાર અને ગાંધીધામ માટે પ્રથમ વખત સુયોજિત આયોજન સાથે આગામી વર્ષ ૨૦૨૬-૨૭ માટેના અંદાજપત્રો (બજેટ) રજૂ કરી મહત્વના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. ચેરમેનશ્રી આનંદ પટેલના દિશાદર્શનમાં ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ, ભચાઉ વિસ્તાર વિકાસ સત્તામંડળ, રાપર વિસ્તાર વિકાસ સત્તામંડળ, અંજાર વિસ્તાર વિકાસ સત્તામંડળ અને ગાંધીધામ વિસ્તાર વિકાસ સત્તામંડળના બજેટ રજૂ કરીને વિકાસકાર્યોનું નિર્માણ કરવામાં આવશે. આમ પ્રથમવખત ચોક્કસ આયોજન અને ચોક્કસ લક્ષ્યાંક સાથે બજેટ આધારિત કામગીરી થવાથી લોકોને વિવિધ માળખાકીય સુવિધાઓ ઝડપથી ઉપલબ્ધ થશે. કલેક્ટરશ્રી આનંદ પટેલના દિશાનિર્દેશ મુજબસત્તામંડળો દ્વારા નાગરિકોની સુખાકારી માટે કામ કરવામાં આવશે અને ભવિષ્યના દરેક વિકાસકાર્યો બજેટ પ્લાનિંગ મુજબ જ આયોજનબદ્ધ રીતે અમલમાં મુકાશે. આ તમામ બજેટમાં વહીવટી ખર્ચ કરતા વિકાસલક્ષી કાર્યો પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.

        ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (ભાડા) માટે કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શનમાં ભુજ શહેરના સર્વાંગી વિકાસ માટે કુલ રૂ. ૨૫૧૦.૦૦ લાખના આવક અને ખર્ચના લક્ષ્યાંક સાથેનું બજેટ મંજૂર કરાયું છે. જેમાં ભુજ શહેરને હરિયાળું બનાવવા માટે બાગ-બગીચાઓનો વિકાસ, નવી ટી.પી.સ્કીમ, પીવાના પાણીની સુવિધાઓ, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઈટ, આઈકોનિક રોડ અને સર્કલ સહિત સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ્સ જેવી જનઉપયોગી સુવિધાઓને આવરી લેવામાં આવી છે. ભુજ શહેરના બાગ બગીચાઓના વિકાસ માટે રિલોકેશન સાઈટના અનામત પ્લોટમાં ૫ નવા ગાર્ડન વિકસાવવા માટે રૂ. ૫૦.૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. ભુજમાં નવી ટી.પી. સ્કીમ (લેન્ડ સર્વે અને એજન્સી મેનપાવર) માટે રૂ. ૧૨.૦૦ લાખ તથા દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના (2nd Revised DP Plan) તૈયાર કરવા માટે રૂ. ૧૧૦.૦૦ લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

        પીવાના પાણીની સુવિધા માટે ભુજ શહેરમાં વોર્ડ નં. ૧૯ અને ૧૧ તેમજ GIDC વિસ્તારમાં નર્મદા વોટર સંપવોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પમ્પિંગ સ્ટેશન જેવા કામો માટે રૂ. ૬૦૭.૦૦ લાખની માતબર રકમનો અંદાજ રાખવામાં આવ્યો છે. ભુજ વિસ્તારમાં ડ્રેનેજ સુવિધા (૮૦%) માટે રૂ. ૫૧૫.૦૦ લાખ અને માધાપર વિસ્તારમાં ડ્રેનેજ સુવિધા (૫૦%) માટે રૂ. ૨૫૦.૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે નવી સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવશે.

        શહેરના સુશોભન માટે ભાડા દ્વારા ભુજમાં આઈકોનિક રોડ અને સર્કલનું નિર્માણ કરાશે  જેમાં ભાડા આઈકોનિક રોડ‘ (રૂ. ૧૦૦.૦૦ લાખ) અને ભાડા સર્કલ‘ (રૂ. ૨૫.૦૦ લાખ) ના વિકાસના કામો નક્કી કરવામાં આવ્યા છે. રિલોકેશન સાઈટ ખાતે સ્પોર્ટ કોમ્પલેક્ષના ૮૫% કામ માટે રૂ. ૩૮૦.૦૦ લાખ ફાળવાયા છે.

        ભચાઉ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી અંતર્ગત ભચાઉ શહેર માટે કુલ રૂ. ૧૬૨.૩૦ લાખનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. ભચાઉ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (ભચાઉ-ભાડા) દ્વારા ભચાઉ સત્તામંડળના ચિલ્ડ્રન પાર્કમાં ભચાઉ નગરપાલિકાને સંકલનમાં રાખી પાર્ક રીવાઇવ કરવા વર્ષ-૨૦૨૬-૨૭ના અંદાજપત્રમાં રૂ. ૫૦.૦૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે.

            રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (રાડા) દ્વારા રાપર શહેર માટે કુલ રૂ. ૧૪૧.૬૪ લાખનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. રાપર શહેરમાં ડાભુંડા સર્કલથી મામલતદાર કચેરી તરફ જવાનો રસ્તો રૂ. ૫૦.૦૦ લાખના ખર્ચે રકમ આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવશે.

            અંજાર વિસ્તાર વિકાસ સત્તામંડળ (AADA) માટે ચેરમેનશ્રી આનંદ પટેલ દ્વારા કલેક્ટર કચેરીભુજ ખાતે યોજાયેલી ૪૪મી બોર્ડ બેઠકમાં અંજાર શહેરના આધુનિકીકરણ અને માળખાકીય સુવિધાઓ માટે કુલ રૂ. ૨,૩૯૨ લાખનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. અંજાર શહેરના રમતવીરો માટે સ્ટેડિયમ ડેવલપમેન્ટ (ફેઝ-૧) માટે રૂ. ૨૦૭ લાખની રકમ અને ટી.પી. સ્કીમ નં. ૨ ના પ્લોટ નં. ૯૭૫ માં મેમોરિયલ પાર્ક બનાવવા માટે રૂ. ૫૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. અંજારમાં બગીચાઓના વિકાસ માટે રૂ. ૨૫ લાખની જોગવાઈ, અંજાર વિસ્તાર વિકાસ મંડળ કચેરીના કામકાજને વેગ આપવા નવા ૫ કોમ્પ્યુટર સેટ અને સંસ્થાની નવી વેબસાઈટ ડેવલપમેન્ટ માટે નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે.  અંજાર વિસ્તાર વિકાસ મંડળની જમીનો પર ફેન્સિંગ અને કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે રૂ. ૧૫ લાખ તથા નવી ટી.પી. સ્કીમની એજન્સી ફી અને વિકાસના કામો માટે રૂ. ૫૦ લાખ ફાળવાયા છે. અંજાર વિસ્તાર વિકાસ સત્તામંડળને બેટરમેન્ટ ચાર્જ પેટે રૂ. ૫૦૦ લાખ અને વ્યાજની આવક પેટે રૂ. ૧૪૦ લાખ મળવાનો અંદાજ છે. આ ઉપરાંત સ્ક્રુટિની ફીડેવલપમેન્ટ ચાર્જ અને એમેનિટીઝ ફી દ્વારા પણ આવક ઊભી કરાશે.

            ગાંધીધામ વિસ્તાર વિકાસ સત્તામંડળ માટે વર્ષ 2026-27 માટેનું વાર્ષિક અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. આ બજેટમાં શહેરના આયોજનબદ્ધ વિકાસ અને નાગરિકોની સુવિધામાં વધારો કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

        શહેરના આધુનિકીકરણ અને માળખાકીય સુવિધાઓને સુદ્રઢ કરવા માટે GDA દ્વારા ગાંધીધામ મહાનગરપાલિકાને રૂ. 30 કરોડની ગ્રાન્ટ ફાળવણીનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રકમથી શહેરમાં આઇકોનિક રોડનું નિર્માણ જેમાં ગ્રીન સ્પેસફૂટપાથ સાથે પહોળા રસ્તાઓના નિર્માણ કરવામાં આવશે. શહેરની સુંદરતમાં વધારો કરવા હયાત રસ્તાઓને ડસ્ટ ફ્રી બનાવવામાં આવશે જેમાં પાર્કિંગગ્રીન સ્પેસ અને ફૂટપાથનું નિર્માણ કરવામાં આવશે. આ સાથે જ વોટર સપ્લાય અને ડ્રેનેજ સુધારણા અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્કનાં કામો અને  સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM): સ્વચ્છ ભારત અભિયાન અર્થે જરૂરી વ્યવસ્થા ઉભી કરવા માટેના કામોની જોગવાઈ કરવામાં આવી છે.

        બજેટમાં ગાંધીધામ વિસ્તાર વિકાસ સત્તામંડળના વહીવટી અને વિકાસલક્ષી ખર્ચની પણ જોગવાઈ કરવામાં આવી છે: જેમાં GDA ના નવા બિલ્ડિંગ માટે ₹1.17 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આમગાંધીધામ વિસ્તાર વિકાસ સત્તામંડળનું આશરે કુલ ૭૨ કરોડનું બજેટ મંજૂર કરાયું છે. GDA નો મુખ્ય ઉદ્દેશ્ય આ નાણાકીય સહાય દ્વારા ગાંધીધામને એક મોડેલ સિટી‘ તરીકે વિકસાવવાનો અને નાગરિકોના જીવનધોરણમાં ગુણાત્મક પરિવર્તન લાવવાનો છે.

        કચ્છ કલેક્ટર અને કચ્છના ભુજ, રાપર, ગાંધીધામ, અંજાર અને ભચાઉ વિસ્તાર વિકાસ સત્તામંડળના ચેરમેનશ્રી આનંદ પટેલ દ્વારા બજેટની જોગવાઈ લાગુ કરીને વિકાસનો લાભ નાગરિકોને આયોજનબદ્ધ રીતે પહોંચાડવાનો નિર્ણય કર્યો છે. જેનું અમલીકરણ થતાં જ નિયત થયેલા કામો ઝડપથી લોક સુવિધાઓના વિકાસ માટે આગળ વધારી શકાશે.  કચ્છ જિલ્લાના સત્તામંડળ ધરાવતા તમામ શહેરોને વધુ સુવિધાજનક અને આધુનિક બનાવવા બજેટથી આયોજનબદ્ધ વિકાસનો નિર્ણય પાયારૂપ સાબિત થશે.