બદલાતા વૈશ્વિક રાજકીય સમીકરણો વચ્ચે અદાણી ગ્રુપનો ₹10 લાખ કરોડનો ‘ગેમ ચેન્જર’ પ્લાન
વૈશ્વિક રાજનીતિના બદલાતા સમીકરણો અને સપ્લાય ચેઈનમાં આવતા અવરોધો વચ્ચે ભારતને એક અજેય આર્થિક મહાસત્તા બનાવવા માટે અદાણી ગ્રુપે સૌથી સાહસિક અને દૂરંદેશી વિઝન રજૂ કર્યું છે. આગામી પાંચ વર્ષો દરમિયાન દર વર્ષે આશરે ₹2 લાખ કરોડ (કુલ ₹10 લાખ કરોડ) ના અભૂતપૂર્વ રોકાણની ગ્રુપે જાહેરાત કરી છે. અદાણી ગ્રુપ ભારતને વિશ્વના વેપાર નકશા પર કેન્દ્રસ્થાને સ્થાપિત કરવાની યોજના ધરાવે છે. અદાણી ગ્રુપનું આ રોકાણ ભારતના આર્થિક ભવિષ્યને સુરક્ષિત કરવાની એક બ્લુપ્રિન્ટ છે. 2030 સુધીના ઉચ્ચ લક્ષ્યાંકોની વાત કરીએ તો, તેમાં એવિએશન ક્ષેત્રે વાર્ષિક 20 કરોડ મુસાફરોની ક્ષમતા સાથે એરપોર્ટ નેટવર્કનું વિસ્તરણ, પોર્ટ અને લોજિસ્ટિક્સમાં કાર્ગો હેન્ડલિંગ ક્ષમતાને વધારીને 1,200 MMT સુધી પહોંચાડવી, સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા 155 MTPA સુધી લઈ જવી તેમજ ડિજિટલ ક્રાંતિ અંતર્ગત 1 GW ની ક્ષમતા ધરાવતા ડેટા સેન્ટર નેટવર્કનું નિર્માણ કરવાનો સમાવેશ થાય છે. આ રોકાણનો સિંહફાળો ગુજરાતના ફાળે આવવાનો છે, જે રાજ્યની ઔદ્યોગિક ઈકોસિસ્ટમમાં ક્રાંતિ લાવશે. કચ્છના ખાવડામાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક અને ફેક્ટરીઓ ગુજરાતને ગ્રીન હાઈડ્રોજન અને સોલાર મેન્યુફેક્ચરિંગનું વૈશ્વિક હબ બનાવશે. તે ભારતની ઉર્જા સુરક્ષા અને વેપાર ક્ષમતાને વૈશ્વિક સ્તરે સુરક્ષિત રાખવાનું એક મજબૂત કવચ બનશે. ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કના નિર્માણથી કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધરશે અને સ્થાનિક રોજગારી ઉભી થશે. આ સમગ્ર યોજનાથી ગુજરાતમાં અંદાજે 1 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉભી થવાની સંભાવના છે. રાજ્યના લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ને કાચો માલ પૂરો પાડવા, મેન્ટેનન્સ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે આ રોકાણથી અભૂતપૂર્વ તકો મળશે. મુન્દ્રા પોર્ટ અને એરપોર્ટના વિસ્તરણથી ગુજરાતનો દરિયાકાંઠો અને હવાઈ માર્ગો વિશ્વના મોટા વેપાર કેન્દ્રો સાથે સીધા જોડાશે, જે સ્થાનિક નિકાસકારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ભારતની ઉર્જા જરૂરિયાતો માટે ક્રૂડ ઓઈલ (88%) અને કુદરતી ગેસ (50%) પરની ભારે આયાત નિર્ભરતા પડકારજનક છે. આ જોખમને ટાળવા ગ્રુપ 2030 સુધીમાં 50 GW રિન્યુએબલ એનર્જી ક્ષમતા ઊભી કરવા જઈ રહ્યું છે, જે ભારત સરકારના 500 GW ના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકનો હિસ્સો છે. અદાણી એનર્જી સોલ્યુશન્સ ₹1.5 લાખ કરોડના ખર્ચે અત્યાધુનિક હાઈ-વોલ્ટેજ નેટવર્ક સ્થાપશે. કંપનીનું લક્ષ્ય ગ્રીન એનર્જી અને બેઝલોડ પાવરના સચોટ મિશ્રણ દ્વારા દેશને 24×7 અવિરત વીજ પુરવઠો પૂરો પાડી કુલ પોર્ટફોલિયો 90 GW થી ઉપર લઈ જવાનો છે. ઈઝરાયેલના હાઈફા પોર્ટ અને યુરોપમાં મજબૂત ભાગીદારી દ્વારા ગ્રુપ ‘ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઈકોનોમિક કોરિડોર’ (IMEC) જેવી વ્યૂહાત્મક કડીઓમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે દેશ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ બનવાનું લક્ષ્ય સેવી રહ્યો છે, ત્યારે આવા મોટા પાયાના રોકાણો દેશના જીડીપી વૃદ્ધિ દરને વેગ આપવામાં અને લોકોના જીવનધોરણને સુધારવામાં પાયાનો પથ્થર સાબિત થશે.