નવાપરા ફાયરિંગ કેસમાં ઝડપાયેલા આરોપીઓનું ઘટના સ્થળે રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું

ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં સામાન્ય બાબતે જાહેરમાં હવામાં ફાયરિંગ કરી ભયનું વાતાવરણ ફેલાવનાર શખ્સો સામે ભાવનગર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનામાં સંડોવાયેલા ૮ આરોપીઓ પૈકી ઝડપાયેલા ૬ આરોપીઓને સાથે રાખીને આજે પોલીસ દ્વારા ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

થોડા દિવસો પૂર્વે નવાપરા વિસ્તારમાં નજીવી બાબતે બોલાચાલી થયા બાદ આરોપીઓ દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસ તપાસ દરમિયાન આ ગુનામાં કુલ ૮ શખ્સોની સંડોવણી બહાર આવી હતી, જેમાંથી પોલીસે અત્યાર સુધીમાં ૬ આરોપીઓની ધરપકડ કરી છે.તેમજ આજે પોલીસ કાફલા સાથે આરોપીઓને નવાપરાના જે-તે ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા. આરોપીઓએ ફાયરિંગ ક્યાંથી કર્યું, હથિયાર ક્યાંથી લાવ્યા અને કઈ રીતે ભાગી છૂટ્યા હતા તે તમામ વિગતોનું પોલીસ સમક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. ગુનાની કડીઓ મેળવવા અને કોર્ટમાં મજબૂત પુરાવા રજૂ કરવાના હેતુથી આ રી-કન્સ્ટ્રક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ભાવનગર પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા બગાડનાર કોઈપણ તત્વોને છોડવામાં આવશે નહીં. બાકી રહેલા અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.