જ્યોતિષીય દ્રષ્ટિકોણથી પ્રભુ શ્રી રામના જીવનનું વિશ્લેષણ: કચ્છ જ્યોતિષ મંડળની બેઠકમાં સંશોધન રજૂ કરાયું

ભુજ: શ્રી રામનું જીવન સૌના માટે એક આદર્શ છે, પરંતુ તેમની જન્મકુંડળીનો ઊંડો અભ્યાસ જ્યોતિષીઓ માટે પણ સંશોધનનો વિષય છે. તાજેતરમાં હોસ્પિટલ રોડ સ્થિત રામેશ્વર મહાદેવ મંદિર ખાતે કચ્છ જ્યોતિષ મંડળની માસિક બેઠક યોજાઈ હતી, જેમાં પ્રભુ શ્રી રામચંદ્રજીની જન્મકુંડળી પર વિશેષ સંશોધન રજૂ કરવામાં આવ્યું હતું.

બેઠકમાં મુખ્ય વક્તા તરીકે ભુજના જ્યોતિષી આનંદ શાહે શ્રી રામની કુંડળીનું વિશ્લેષણ કરતા જણાવ્યું હતું કે, કર્ક લગ્નની આ કુંડળીમાં પાંચ ગ્રહો ઉચ્ચના કે સ્વગૃહી છે. આ ગ્રહોની વિવિધ ભાવોમાં ઉપસ્થિતિને કારણે તેઓ પ્રજાવત્સલ રાજા, આદર્શ પુત્ર અને વચનપાલક બન્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે, ચોથા સુખ સ્થાનમાં શનિની હાજરી, વ્યયેશ બુધની દ્રષ્ટિ અને સાતમે મંગળની ઉપસ્થિતિને કારણે જ તેમને રાજત્યાગ, વનવાસ, સીતા હરણ અને અયોધ્યા પરત આવ્યા બાદ પણ પત્ની-સંતાન વિયોગ જેવી ઘટનાઓનો સામનો કરવો પડ્યો હતો, જે કુંડળીના યોગો સાથે સંપૂર્ણ સુસંગત જણાય છે.

ચર્ચાને આગળ વધારતા શ્રી નરેન્દ્ર ગોર ‘સાગર’ એ શ્રી રામનો જન્મ પુનર્વસુ નક્ષત્રના ચોથા ચરણમાં થયો હોવાનું જણાવી તેના આધારે દશા, અંતર્દશા અને ગ્રહોના ગોચર ના સમયની ગણતરી કરતા તે પ્રભુના જીવનની ટાઈમલાઈન સાથે કેટલી સચોટ રીતે મળે છે તેનું તાર્કિક વિશ્લેષણ રજૂ કર્યું હતું.

મંડળના પ્રમુખ શ્રીમતી પ્રીતિબહેન રાજગોર તથા ઉપપ્રમુખ શ્રી પ્રફુલભાઈ જોશીએ વક્તા આનંદ શાહના પ્રયાસને બિરદાવતા કહ્યું હતું કે રામજીનું જીવન અભ્યાસુઓ માટે જ્ઞાનનો ભંડાર છે. સલાહકાર ગીરીશભાઈ ગોરે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે કચ્છ જ્યોતિષ મંડળ ભવિષ્યમાં પણ જ્યોતિષીઓને સંશોધન માટે આવું પ્લેટફોર્મ પૂરું પાડતું રહેશે.

બેઠકના પ્રારંભમાં રામેશ્વર મંદિરના શ્રી આશિષ જોશીએ સૌનું સ્વાગત કર્યું હતું, જ્યારે સંચાલન મંત્રી અશોક માંડલીયાએ કર્યું હતું. પ્રશ્નોત્તરીમાં સુભાષભાઈ જોશી, લીના ઠક્કર, ઝંખના શર્મા અને વનીતાબેન મહિડાએ ભાગ લીધો હતો. વ્યવસ્થા રાજેશભાઇ અને અરવિંદભાઈએ સંભાળી હતી.

આ બેઠકમાં ધીરેન્દ્ર રઘુવંશી, સ્મિત રાજગોર, પ્રવીણભાઈ વરસાણી, પૂજા ભાટિયા, પરેશ જોશી, પ્રશાંત ભોજક, મીનલ દવે, હેમાલી ઓઝા, હંસાબેન પંડ્યા, નિધિ કુબડીયા, હિતેન્દ્ર દવે, દેવાંગ ચૌહાણ, દિપા જોશી, સુભાંગી જોશી, વિપુલા મહેતા અને જયેશ જોશી સહિત મોટી સંખ્યામાં જ્યોતિષીઓ ઉપસ્થિત રહ્યા હતા.