કચ્છ જિલ્લામાં કુપોષણ મુક્ત અભિયાનને વેગ આપવા ‘પોષણ સંગમ’ સમીક્ષા બેઠક કમ વર્કશોપ યોજાયો

ભુજ: મહિલા અને બાળ વિકાસ વિભાગ ની પોષણ સંગમ પહેલ અંતર્ગત કચ્છ જિલ્લામાં કુપોષિત (SAM) બાળકોના સુધારા માટે અમલી સમુદાય આધારિત કુપોષિત બાળકોનું વ્યવસ્થાપન’ (C-MAM) ‘પોષણ સંગમ’ કાર્યક્રમની સફળતાને જાળવી રાખવા તેમજ આગામી આયોજનના ભાગરૂપે આજરોજ તા. ૨૪/૦૪/૨૦૨૬ ના રોજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ(IAS)ના અધ્યક્ષસ્થાને ICDS જિલ્લા પંચાયત શાખા કચ્છ દ્વારા વિશેષ સમીક્ષા મીટીંગ કમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કામગીરીની સમીક્ષા અને સુધારો: બેઠકની શરૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, જિલ્લામાં ‘પોષણ સંગમ’ અંતર્ગત બે બેચની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરીના પરિણામે બાળકોના પોષણ સ્તરમાં નોંધપાત્ર અને સકારાત્મક સુધારો જોવા મળ્યો છે. આ ગતિને જાળવી રાખવા અને ક્ષેત્રીય સ્તરે આવતી સમસ્યાઓના નિવારણ માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિકારીશ્રીઓનું માર્ગદર્શન:
જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ(IAS): આરોગ્ય વિભાગ અને ICDS વિભાગ વચ્ચેના સંકલન પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, જો બંને વિભાગો સાથે મળીને કામ કરશે તો બાળકોના સ્વાસ્થ્ય અને પોષણમાં કાયમી સુધારો લાવી શકાશે. તેમણે ઉપસ્થિત અધિકારીઓને પાયાના સ્તરે સઘન કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું.
પ્રોગ્રામ ઓફિસર (ICDS): કચ્છ જિલ્લાની વર્તમાન કુપોષણની સ્થિતિ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને આગામી સમયમાં જિલ્લાના બાળકોને કુપોષણમુક્ત કરવા માટે તાલુકા દીઠ લેવા જોઈતા પગલા અંગે વિશેષ જાણકારી રજૂ કરી હતી.
CDHO શ્રી: મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ માત્ર બાળકો જ નહીં, પરંતુ સગર્ભા, ધાત્રી માતાઓ અને ૦ થી ૧૮ વર્ષના
તમામ બાળકોના આરોગ્યમાં સુધારો લાવવા માટે લેવાવા જોઈતા જરૂરી પગલાંઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
તાલીમ અને સહભાગીઓ: વર્કશોપમાં જિલ્લા પ્રોગ્રામ આસિસ્ટન્ટ શ્રી લક્ષ્મી સેગલિયા દ્વારા ઉપસ્થિત તાલીમાર્થીઓને ‘પોષણ સંગમ’ પ્રોટોકોલ અંગે વિશેષ તાલીમ આપવામાં આવી હતી. આ વર્કશોપમાં જિલ્લા કક્ષાએથી CDHO, RCHO અને PO ICDS તથા કચેરીનો તમામ સ્ટાફ તેમજ તાલુકા કક્ષાએથી THO, CDPO, THV, Supervisors, RBSK મેડિકલ ઓફિસર અને NRC / CMTC ન્યુટ્રીશન
આસિસ્ટન્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા.